)
Gardening Tips: લીલા પાનવાડા શાકભાજીનું નામ આવે તો સૌથી પહેલા પાલકની ભાજી યાદ આવે. પાલકની ભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પાલકમાં વિટામીન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ સહિતના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. પાલક ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે. જોકે આજના મીલાવટના યુગમાં શાકભાજી પણ ઓર્ગેનિક મળતા નથી.
જો તમારે ઓર્ગેનિક પાલકની ભાજી ખાવી હોય તો તમે ઘરે નાનકડા કુંડા રાખીને તેમાં પણ પાલક ઉગાડી શકો છો.. જી હાં પાલકની ભાજી ઘરે સરળતાથી ઉગી શકે છે તેના માટે મોટી જગ્યાની પણ જરૂર નથી. એક નાનકડા કુંડામાં પણ પાલક ઉગાડી શકાય છે. કુંડામાં પણ જો યોગ્ય રીતે પાલક વાવો તો ઘરની જરૂરિયાત પૂરતી ભાજી મળી રહે છે.
પાલકની ભાજી ઉગાડવાની રીત
ઘરે પાલકની ભાજી ઉગાડવી હોય તો સૌથી પહેલા એવું કુંડું પસંદ કરો જે ઉપરથી પહોળું હોય અને જેમાં તળિયામાં કાણું હોય જેથી વધારાનું પાણી નીચેથી નીકળી શકે. પાલકની ભાજી વાવવા માટે માટી તૈયાર કરો. તેના માટે ફળદ્રુપ માટીમાં છાણનું ખાતર અથવા તો વર્મી કમ્પોસ્ટ મિક્સ કરો. હવે આ માટીને કુંડામાં ભરી દો.
પાલકની ભાજી સારી રીતે ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ પસંદ કરવા. માટીમાં બીજ વાવતા પહેલા 12 કલાક માટે બીજને પાણીમાં પલાળી રાખો. પાણીમાં પલાળ્યા પછી માટીમાં બીજ વાવશો તો પાલક જલ્દી ઊગવા લાગશે. માટીમાં એક થી દોઢ ઇંચ ની દુરી પર પાલકના બી વાવો. અને તેના પર થોડી માટી છાંટી દો. પાલકના બી વાવી દીધા પછી થોડા સમય માટે કુંડાને છાયામાં રાખવું.
બીજા દિવસથી કુંડાને થોડી કલાક માટે તડકામાં મૂકી દેવું. પાલકની ભાજીના ઉગવામાં 25 થી 30 દિવસનો સમય લાગે છે. પાલકના પાન જ્યારે મોટા થઈ જાય તો તમે તેને ઉપરથી તોડી શકો છો. પાલકના પાનને ઉપરથી જ તોડવા તેના મૂળ ઉખેડવા નહીં. જો મૂળને તમે માટીમાં રહેવા દેશો અને થોડું ખાતર છાંટી દેશો તો ફરીથી નવા પાન ઉગવા લાગશે.