)
PM Kisan : કેન્દ્ર સરકારે શુક્રવારે ત્રણ રાજ્યોના તમામ પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો છે. 26 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 2,000 ટ્રાન્સફર કર્યા. આ ત્રણેય રાજ્યોમાં તાજેતરના પૂર અને ભૂસ્ખલનને કારણે 21મો હપ્તો સમય પહેલા ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સરકારે અગાઉ 2 ઓગસ્ટના રોજ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જાહેર કર્યો હતો.
રૂપિયા 540 કરોડ 27 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના 27 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 540 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે, જેમાં 27 લાખ મહિલા ખેડૂતોનો સમાવેશ થાય છે. આ હપ્તો ફક્ત હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, કારણ કે આ રાજ્યો તાજેતરમાં જ ગંભીર પૂર અને ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા. ખેડૂતોના બેંક ખાતાઓમાં પીએમ કિસાનનો 21મો હપ્તો જમા કરાવતી વખતે શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રૂપિયા 2,000 ખેડૂતોને તાત્કાલિક ઘરની જરૂરિયાતો પૂરી કરવામાં, આગામી વાવણી સીઝન માટે બીજ અને ખાતર ખરીદવામાં અને ખેતી ફરી શરૂ કરવામાં મદદ કરશે.
PM કિસાન યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન) શરૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના ખર્ચ ઘટાડવા અને તેમની આવક વધારવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. PM કિસાન યોજના હેઠળ પૂરું પાડવામાં આવતું ભંડોળ સીધું ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. ભારત સરકાર દેશભરના પાત્ર ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ 6,000 ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાના 3 હપ્તાના રૂપમાં આપવામાં આવે છે.