)
Cucumber Gardening Tips: હવે લોકો હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઈફ સ્ટાઈલનું મહત્વ સમજવા લાગ્યા છે જેના કારણે ખાવા પીવામાં ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને શાકભાજી તાજા મળે તે માટે લોકો ઘરમાં જ શાકભાજી ઉગાડવાનું પસંદ કરે છે. ઘરમાં ઉગાડેલા શાકભાજી કેમિકલ ફ્રી હોય છે તેથી શરીર માટે પણ લાભકારી છે. ઓર્ગેનિક શાકભાજી નો સ્વાદ પણ લાજવાબ હોય છે.
કાકડી એવું શાક છે જેને સલાડ, રાયતા અને સ્નેક્સમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે જો ઘરે કાકડી ઉગાડવી હોય તો તેના માટે વધારે જગ્યાની પણ જરૂર પડતી નથી. કાકડી નાનકડી બાલકનીમાં પણ ઉગી શકે છે. આજે તમને બાલકનીમાં કાકડી કેવી રીતે ઉગાડી શકાય તેની રીત જણાવીએ.
બાલકનીમાં કાકડી ઉગાડવાની રીત
યોગ્ય માટી અને કુંડું
બાલ્કનીમાં કાકડી ઉગાડવા માટે આ બે વસ્તુ સૌથી મહત્વની છે. કાકડીનો છોડ વાવવા માટે યોગ્ય કુંડાની પસંદગી કરો અને કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં કાકડીની વેલને વધવા માટે યોગ્ય જગ્યા મળે. કાકડી માટે 12 થી 15 ઈંચ ઊંડું કુંડુ અથવા તો ગ્રો બેગ લઈ શકાય છે. કાકડી માટેની માટી તૈયાર કરવા માટે 50% ગાર્ડન સોઇલ, 30% કમ્પોસ્ટ અને 20% રેતી અથવા કોકોપીટ મિક્સ કરવું. ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરીને કુંડામાં ભરો.
કાકડી વાવવાની રીત
કાકડી માટેની માટી તૈયાર થઈ જાય પછી કાકડીના બીજની જરૂર પડશે. કાકડીના બી કોઈ પણ નર્સરીમાં અથવા ઓનલાઇન પણ સરળતાથી મળી જાય છે. બી વાવતા પહેલા તેને થોડા કલાક પાણીમાં પલાળી દેવા જરૂરી છે. પાણીમાં પલાળેલા બીને માટીમાં એક થી બે ઇંચના ઊંડાઈ પર વાવી દેવા અને ઉપરથી માટી ઢાંકી દેવી. એક કુંડામાં બે થી ત્રણ બી વાવવા.
કાકડીનો છોડ ઉગાડવા માટે આ બે કામ સૌથી મહત્વપૂર્ણ હોય છે. કાકડીનું કુંડું એવી જગ્યાએ રાખવું જ્યાં તડકો આવતો હોય. બી વાવ્યા પછી કુંડામાં વધારે પડતું પાણી ઉમેરવું નહીં જો પાણી વધારે ઉમેરશો તો બી માટીમાં સડી જશે. બીમાંથી છોડ બહાર દેખાવા લાગે પછી રોજ થોડું થોડું પાણી ઉમેરવું.
કાકડીની વેલ થોડી મોટી થઈ જાય પછી તેને દિવાલ પર ચઢાવવા માટે સપોર્ટની જરૂર. તેના માટે કુંડામાં લાકડી અથવા તો દિવાલ પર જાળી લગાવી શકો છો. દિવાલ પર જાળી લગાવી દેવાથી વેલ સરળતાથી તેની ઉપર વધવા લાગશે.
કાકડી વાવ્યા પછી કેટલા દિવસમાં ફળ મળે?
કાકડીના બી વાવ્યા પછી 45 થી 50 દિવસે તેમાં કાકડી દેખાવા. જ્યારે કાકડી મીડીયમ સાઈઝની થઈ જાય અને તેની છાલ ચમકતી દેખાય ત્યારે તેને ઉતારી લેવી. વધારે દિવસો સુધી કાકડી રાખવાથી તે અંદરથી પાકી જાય છે અને તેનો સ્વાદ પણ કડવો થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)