)
Gardening Tips: ધાણા એવી વસ્તુ છે જેનો ઉપયોગ ભારતીય રસોડામાં સૌથી વધુ થાય છે. દાળ, શાકમાં કોથમીર ઉમેરવા ઉપરાંત કોથમીરની ચટણી અને અલગ અલગ વાનગી પણ બનતી હોય છે. લીલા ધાણાને ફ્રીજમાં દિવસો સુધી સ્ટોર કરી શકતા નથી. ફ્રીજમાં ધાણા ખરાબ તો નથી થતા પણ થોડા દિવસમાં કરમાઈ જાય છે. આ સ્થિતિમાં તાજા ધાણા જ મોટાભાગે ખરીદવા પડે છે. પરંતુ જો તમે એક નાનકડા કુંડામાં પણ ધાણા વાવી દેશો તો તમારે બજારમાંથી કોથમીર લેવાની ઝંઝટ દુર થઈ જશે.
આજે તમને ઘરે ધાણા ઉગાડવાની રીત સ્ટેપ બાય સ્ટેપ જણાવીએ. આ રીતે તમે ઘરે ધાણા વાવી લેશો તો બારેમાસ ઘરમાં ઉગેલા ફ્રેશ અને ઓર્ગેનિક ધાણા ખાવા મળશે.
ધાણા ઉગાડવા માટે જરૂરી વસ્તુઓ
ધાણા ઉગાડવા માટે 8 થી 10 ઈંચ ઊંડું કુંડુ અથવા ગ્રો બેગની જરૂર પડશે.
કુંડા માટે ગાર્ડન સોઈલ, કંપોસ્ટ અને કોકોપિટની જરૂર પડશે.
ધાણાને પાણી આપવા માટે સ્પ્રે બોટલની જરૂર પડશે.
ધાણા વાવવાની ટ્રીક
ગ્રો બેગ કે કુંડામાં ગાર્ડન સોઈલ, કંપોસ્ટ અને કોકોપિટ મિક્સ કરી માટી ભરી દો. હવે ધાણાના બીજને 2 ટુકડામાં તોડી અને એક વાટકીમાં પાણી ભરી 4 કલાક પલાળી રાખો. બીજને પલાળી દેવાથી તેને અંકુરણમાં મદદ મળે છે. કુંડાની માટીને થોડી ભીની કરી તેમાં ધાણાના બીજ પાથરી દો અને તેની ઉપર ફળદ્રપ માટી છાંટી દો.
ધાણાના બીજ વાવ્યા બાદ રોજ કુંડામાં પાણી છાંટવું. કુંડામાં વધારે પાણી રેડવું નહીં. ફક્ત સ્પ્રે બોટલમાં પાણી ભરી માટી ભીની થાય એટલું પાણી છાંટી દેવું. દિવસ દરમિયાન કુંડાને સવારના સમયે 4 કલાક તડકામાં રાખી દો. 7 દિવસમાં ધાણાના બીજમાં અંકુર ફુટવા લાગશે. જ્યારે છોડ 3 થી 4 ઈંચ જેટલો થઈ જાય તો તેમાં થોડું ખાતર ઉમેરી દો, બીજ વાવ્યાના 20 થી 25 દિવસમાં ધાણા કાપી શકાય એટલા મોટા થઈ જશે. યાદ રાખવું કે ધાણાના પાનને ઉપરથી જ તોડવા તેના મૂળ કાઢવા નહીં. મૂળ માટીમાં રહેવા દેશો તો ધાણામાં નવા પાન ઉગી જશે. જો તમે દર 15 દિવસ કુંડામાં થોડા થોડા નવા બીજ ઉમેરતા રહો તો કુંડામાં સતત કોથમીર ઉગતી રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)