મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, પવાર સાથેના ટ્રેલરથી NCP શિવસેનામાં ભૂકંપ, પિક્ચર હજુ બાકી...

Maharashtra Govt Formation Live: રાજકારણમાં કોઇ કોઇનું નથી... એ ઉક્તિ મહારાષ્ટ્રમાં હાલમાં સ્પષ્ટ વર્તાઇ રહી છે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ વચ્ચે છેવટે ભાજપે પોતાની સ્ટાઇલ મુજબ હુકમના પત્તા ખોલ્યા અને સત્તાના સમીકરણો બદલાઇ ગયા. મહારાજ બનવાના સપના સાથે સુઇ ગયેલ યુવરાજ સવારે ઉઠ્યા અને ચિત્ર અલગ દેખાયું. પવારના પાવર સાથે ભાજપે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો કે શિવસેના અને એનસીપી બંને સ્તબ્ધ થઇ ગયા. 

Updated By: Nov 23, 2019, 01:27 PM IST
મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, પવાર સાથેના ટ્રેલરથી NCP શિવસેનામાં ભૂકંપ, પિક્ચર હજુ બાકી...

મુંબઇ : રાજકારણમાં કોઇ કોઇનું નથી... એ ઉક્તિ મહારાષ્ટ્રમાં હાલમાં સ્પષ્ટ વર્તાઇ રહી છે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ વચ્ચે છેવટે ભાજપે પોતાની સ્ટાઇલ મુજબ હુકમના પત્તા ખોલ્યા અને સત્તાના સમીકરણો બદલાઇ ગયા. મહારાજ બનવાના સપના સાથે સુઇ ગયેલ યુવરાજ સવારે ઉઠ્યા અને ચિત્ર અલગ દેખાયું. પવારના પાવર સાથે ભાજપે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો કે શિવસેના અને એનસીપી બંને સ્તબ્ધ થઇ ગયા. કાપો તો લોહીના નીકળે એવી સ્થિતિ સર્જાઇ ગઇ, ભાજપે એવો દાવ માર્યો કે આજે સ્થિતિ એવી ઉભી થઇ કે સરકાર બનાવવા માટે આગળ આવેલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આજે એકબીજા સામે આંગળી ચીંધવા મજબૂર થઇ ગયા. ભાજપના બે બાદશાહોએ એવી ચાલ ચાલી કે હરીફો ઉંઘતા ઝડપાયા, રાતોરાત બાજી બદલાઇ ગઇ અને ભાજપે ચૂંટણી સમયે જે વાત કરી હતી એ સાબિત કરી બતાવી. દેવેન્દ્ર ફડણવીસને ફરી મુખ્યમંત્રી પદે બેસાડી દીધા. 

મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે શિવસેના એનસીપી અને કોંગ્રેસ બેઠકો પર બેઠકો કરી રહ્યા હતા ત્યારે ભાજપ ધીરેથી પણ મક્કમ ગતિએ ચાલ રમતું હતું. જેની ગંધ સુધ્ધા હરીફોને ન આવી અને છેવટે ભાજપે હરીફોના ગઢમાં જ મોટું ગાબડું પાડ્યું. પીઓકેમાં કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇક જેટલી જ ગુપ્તતા સાથે ભાજપે મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ પાર પાડ્યું. કહેવાય છે કે આ સમગ્ર ઓપરેશનની જાણ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજીત પવારને જ હતી. મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ પ્રમુખ પણ આ વાતથી અજાણ હોવાની વાત છે. ભાજપે જે માસ્ટરસ્ટ્રોક માર્યો છે એ જોતાં હરીફ પક્ષોમાં ભૂકંપ સર્જાયો છે. 

મહારાષ્ટ્રમાં બે દિવસમાં ખુલશે પત્તા, રાજ્યપાલને મળીને દાવો રજૂ કરી શકે છે NCP-શિવસેના-કોંગ્રેસ 

હરીફ છાવણીમાં શંકાના વમળ?
અજીત પવાર ભાજપ સાથે સરકારમાં બેસી જતાં એક તબક્કે તો એવી વાત સામે આવી કે કાકાની મીઠી નજર હેઠળ જ આ બધુ થયું છે. પરંતુ શનિવારે બપોરે શરદ પવારે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતનો છેદ ઉડાવી દીધો, પરંતુ બે દિવસ પહેલા શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી બેઠક પણ એમની સામે શંકા ઉપજાવવા પુરતી છે. બીજી તરફ કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પણ શિવસેના અને શરદ પવાર અંગે સ્ફોટક નિવેદન કરતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. ભાજપના આ માસ્ટરસ્ટ્રોકથી એનસીપી, શિવસેના અને કોંગ્રેસમાં એકબીજા પ્રત્યે શંકાના વમળ પેદા કર્યા છે. 

ઉદ્ધવ ઠાકરેને કેમ નથી બનવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ છે તેની પાછળનું મુખ્ય કારણ 

શિવસેનાનું પાણી ઉતાર્યું
વિવાદીત નિવેદનો બાદ કરીએ તો શિવસેના ભાજપનું જ સહયોગી કહી શકાય. ફિફ્ટી ફિફ્ટીની ફોર્મ્યુલા સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન રચાયું. પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 ના પરિણામ જાહેર થતાં શિવસેના ગેલમાં આવી હતી. ભાજપને સ્પષ્ટ બહુમત ન મળતાં સરકારમાં દબદબો કાયમ રહેવાની આશાએ શિવસેના મનમાં મલકાતું હતું. સીએમ પદને લઇને શિવસેના ભાજપ સામે બંડ પોકાર્યો અને છેવટે છેડો ફાડ્યો. ભાજપે પણ નમતું ન જોખ્યું અને શિવસેનાએ સરકાર માટે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો. બંનેએ સાથ આપવા તૈયારી બતાવતાં શિવસેના તીવ્ર રીતે ભાજપ સામે આવ્યું અને ભાજપ સામે વિવાદીત નિવદેનોની ઝડી વરસાવી. ભાજપે એનસીપીમાં તૂટ પાડી પવારના પાવર સાથે સરકાર બનાવી લેતાં શિવસેનાનું પાણી ઉતારી દીધું.

 Maharashtra Govt Formation Live : શિવસેના અને એનસીપીએ સાથે મળીને કરી પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસે ન આપી હાજરી

પવાર પાવરમાં કર્યા ભાગલા
મહારાષ્ટ્રમાં સરકાર માટે ભાજપે હરીફ છાવણીમાં પાડી ધાડ, સરકાર માટે મહત્વના બની રહેલા એનસીપી વડા શરદ પવારની જ પીઠમાં ખંજર ભોંકાવ્યું. શરદ પવારના ભત્રીજા અજીત પવારને જ પોતાની તરફેણમાં લઇને ભાજપે મોટો દાવ મારી લીધો અને પવાર પાવરમાં ભાગ પડાવ્યા. અજીત પવાર એમના સમર્થન સાથેના ધારાસભ્યો સાથે મળીને રાજ્યપાલ સમક્ષ પણ પહોંચી ગયા અને સરકારનું સમીકરણ બદલાઇ ગયું. 

Maharashtra Live Updates : ભાજપની પાટલી પર જઈને બેસી ગયેલા અજિત પવારને પડી શકે છે મોટો ફટકો

કોંગ્રેસ અવઢવમાં, સંજયનો હલ્લાબોલ
શિવસેના (ShivSena) હજી પણ સમજી શક્તી નથી કે ધોકો અજીત પવારે ( Ajit Pawar)  આપ્યો કે શરદ પવારે (Sharad Pawar) આપ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ સત્તા બનાવવા માટે જવાબદાર શરદ પવાર અને એનસીપીને ગણાવી રહ્યું છે. એનસીપીના નેતા સંજય નિરૂપમે મીડિયા સાથેની વાતમાં સ્પષ્ટ કહ્યું કે, શિવસેના સાથે જવુ કોંગ્રેસની મોટી ભૂલ હતી. મહારાષ્ટ્રમાં પાર્ટીને નબળી કરવાનો પ્રયાસ થયો છે. કોંગ્રેસના શિવસેનાની સાથે જવુ ન જોઈતુ હતું.

સંજય નિરૂપમે કહ્યું, ‘શિવસેના સાથે જવુ કોંગ્રેસની ભૂલ, શરદ પવાર PMને મળ્યા ત્યારે જ સમજી જવું હતું...’

ટ્રેલર જોરદાર, પિક્ચર હજુ બાકી
ભાજપે અજીત પવારના સહકારથી આજે સરકાર બનાવી છે, રાતોરાત બદલાયેલા સમીકરણ સાથેના ટ્રેલરથી મહારાષ્ટ્રની સાથોસાથ દેશના રાજકારણમાં જાણે ભૂકંપના આંચકા અનુભવાયા. પરંતુ બીજી તરફ એનસીપી અને શિવસેનાએ પણ જાણે મેદાન છોડ્યું ન હોય એમ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી અજીત પવાર ખોટી રીતે ધારાસભ્યોને લઇ ગયાનો પર્દાફાશ કર્યો. સરકાર માટે 30મીએ બહુમત સાબિત કરવાનો છે ત્યારે હવે જોવાનું છે કે પિક્ચર કેવું નીકળે છે...