Ahmedabad Special: ક્યાંક સપનાનો મહેલ તો ક્યાંક આખી જિંદગીનું ભાડું અમદાવાદ...મારું અમદાવાદ...

ઈ.સ. 1411ની 26મી ફેબ્રુઆરીએ અહમદશાહ બાદશાહે હાલના એલીસબ્રીજ પાસે માણેક બુરાજની ખાંભી લગાવીને સાબરમતીના તટે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યીઓ અને નદીકાંઠે એક નગર વસાવ્યું. જેને અહમદાબાદ નામ આપવામાં આવ્યું. જે બાદમાં અપભ્રંશ થઈને અમદાવાદના નામે ઓળખાયું. 

Updated By: Feb 26, 2021, 03:58 PM IST
Ahmedabad Special: ક્યાંક સપનાનો મહેલ તો ક્યાંક આખી જિંદગીનું ભાડું અમદાવાદ...મારું અમદાવાદ...

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ આ શહેર અમદાવાદને 6 સદીઓ કરતા પણ લાંબો સમય વિતી ચૂક્યો છે. સમયની સાથે આ શહેર સતત બદલાતું રહ્યું છે. દુનિયાની સાથે કદમથી કદમ મિલાવીને ચાલતું દોડતું ભાગતું શહેર એટલે અમદાવાદ. વિતેલા વર્ષોમાં આ શહેરો અનેક તડકી છાયડીઓ જોઈ નાંખી છે. ઘણીવાર આ શહેર અનેક સમસ્યાઓમાં સપડાઈ ચૂક્યું છે, જોકે, એટલી જ ખુમારીથી દરેક પડકારને પહોંચીવળીને આ શહેર અમદાવાદે જીત હાંસલ કરી છે. ત્યારે એક પત્રકારની કલમે જોઈએ કેવું છે અમદાવાદ...મારું અમદાવાદ...

No description available.

                            મારું અમદાવાદ...
ક્યાંક ગાંધીઆશ્રમ અને ક્યાંક સીદીસૈયદની જાળીવાળું અમદાવાદ...
ભદ્રનો કિલ્લોને સરખેજ રોઝાવાળું અમદાવાદ...
ઐતિહાસિક શહેર અને ઈતિહાસની ઝાંખીવાળું અમદાવાદ...મેગાસિટીના નામવાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યાંક રીક્ષાવાળુંતો ક્યાંક બી.આર.ટી.એસ.વાળું અમદાવાદ...
ક્યારેક લક્કડીયોપુલતો ક્યારેક ફ્લાયઓવર અને અન્ડરબ્રિજવાળુ અમદાવાદ...
ક્યાંક સ્લમ વિસ્તાર તો ક્યાંક હાઈરાઈઝ બિલ્ડીંગોવાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યાંક સી-પ્લેન તો ક્યાંક મેટ્રો ટ્રેન વાળું અમદાવાદ...
ક્યાંક હોટ એયર બલુન, ક્યાંક બોટિંગ, તો ક્યાંક રીવરફ્રન્ટવાળું રૂપાળું અમદાવાદ...
દુનિયાનું અદભુત શહેર અને સાવ અલગ દુનિયાવાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યારેક કાળી રાતે ધોળુંતો, ક્યારેક ધોળે દિવસે કાળું અમદાવાદ...
ક્યારેક લટ્ઠાકાંડતો ક્યારેક બોમ્બ બ્લાસ્ટવાળું અમદાવાદ...
આમ ક્યારેક અંધકારતો ક્યારેક અજવાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યાંક પાન-મસાલાને માવો તો ક્યાંક સેકેલી સોપારીવાળું અમદાવાદ...
ક્યાંક ચા ની કીટલી અને ક્યાંક કોલ્ડ કોકોતો, ક્યાંક મસ્કાબંધવાળું અમદાવાદ...
પફ, પીજા અને પકોડીવાડું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યારેક દિવાળી અને ક્યારેક ઈદવાળું અમદાવાદ...
ક્યારેક રથયાત્રા તો ક્યારેક તાજિયાવાળું અમદાવાદ
થોડા હિંદુભાઈઓને થોડા મુસ્લિમબિરાદરોવાળું અમદાવાદ...
આમ તારુંને આમ મારું પણ છતાંય સહુનું સહિયારું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યારેક સાવ બુધ્ધુને ક્યારેક બહુ બુદ્ધિવાળું અમદાવાદ...
ક્યારેક સાવ કદરૂપુંને ક્યારેક દુલ્હન કરતાંય રૂપાળું અમદાવાદ...
ક્યારેક જાકળબિંદુ ક્યારેક પારદર્શક કાંચવાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યારેક કાંકરિયા કાર્નિવલ અને ક્યારેક વાઈબ્રન્ટ મહોત્સવવાળું અમદાવાદ...
ક્યાંક ગ્લોબલ સમિટ તો ક્યાંક નવરાત્રીવાળું અમદાવાદ...
ક્યારેક હોળી તો ક્યારેક દોરી-પતંગવાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યારેક ગાંધીજી તો ક્યારેક મોદીજીવાળું અમદાવાદ...
ક્યારેક સપનાઓનું શહેર અને ક્યારેક અનેકના સપના પુરા કરવાવાળું અમદાવાદ...
ગુજરાતના માથાનું મથાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

હંમેશા દિવસ-રાત ધબકતુ અને દોડતું ભાગતું શહેર...તો ક્યારેક સાવ સન્નાટાવાળું અમદાવાદ...
પ્લેગ, સ્વાઈન ફ્લૂ અને કોરોના જેવી મહામારીને હરાવનારું અમદાવાદ...
કંઈક કેટલીય નાની-મોટી સમસ્યાઓવાળું શહેર...છતાંય અનેક આફતને અવસરમાં પરિવર્તિત કરવાની અદભુત ક્ષમતાવાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યાંક એરપોટ અને રેલ્વે સ્ટેશનતો ક્યાંક એ.એમ.ટી.એસ બસવાળું
અમદાવાદ...
કોઈની ઓફીસનું અડ્રેસતો કોઈના ઘરનું સરનામું અમદાવાદ...
ક્યાંક સપનાનો મહેલતો ક્યાંક આખી જિંદગીનું ભાડું અમદાવાદ...
મારું અમદાવાદ...

- ભદ્રેશકુમાર મિસ્ત્રી