)
7th Pay Commission: કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ સમાવિષ્ટ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoH&FW) દ્વારા સેન્ટ્રલ હેલ્થ સર્વિસીસ સ્કીમ (CGHS) અને સેન્ટ્રલ સર્વિસીસ (મેડિકલ એટેન્ડન્સ) નિયમ, 1944 હેઠળ ટ્રાન્સજેન્ડર આશ્રિતોને તબીબી લાભો આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ટ્રાન્સજેન્ડર બાળકો અને ભાઈ-બહેનો હવે ઉંમરને ધ્યાનમાં લીધા વિના આ લાભોનો લાભ લઈ શકશે. આ પગલાને સમાવેશીતા અને સામાજિક ન્યાય તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
પરિપત્ર શું છે?
તાજેતરના ઓફિસ મેમોરેન્ડમ મુજબ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર આશ્રિત ટ્રાન્સજેન્ડર બાળકો અને ભાઈ-બહેનો હવે ઉંમરને ધ્યાનમાં લીધા વિના તબીબી લાભ મેળવી શકશે. આનો અર્થ એ થયો કે, આ આશ્રિતો માટે ઉંમર હવે અવરોધ રહેશે નહીં, અને તેઓ સંપૂર્ણ તબીબી સુવિધાઓ માટે હકદાર રહેશે. આ સરકારી પગલું ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સમાનતા, સામાજિક ન્યાય અને સમાવેશકતા સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે. આ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પરિવારોમાં ટ્રાન્સજેન્ડર આશ્રિતો માટે આરોગ્ય સુરક્ષાની પણ ખાતરી આપશે.
આ નિર્ણય ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019ની જોગવાઈઓ અનુસાર છે. સરકારી આદેશ 16 સપ્ટેમ્બર 2025 અનુસાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ટ્રાન્સજેન્ડર બાળકો અથવા ભાઈ-બહેનો ફક્ત ત્યારે જ આ લાભો માટે પાત્ર બનશે, જો તેઓ સંપૂર્ણપણે આર્થિક રીતે આશ્રિત હોય. આ માટેની વ્યાખ્યા અને આવક મર્યાદા આરોગ્ય મંત્રાલય દ્વારા 2016ના નોટિફિકેશનમાં પહેલાથી જ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત લાભાર્થીઓ પાસે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે, જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019 હેઠળ માન્ય છે.
CGHSમાં કરવામાં આવ્યા છે અનેક સુધારા
નોંધનીય છે કે, છેલ્લા 12 મહિનામાં CGHSમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. સરકારે પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનમાં સુધારો કર્યો છે, વધુ હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો વિસ્તાર કર્યો છે, નવી ખાનગી હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોને પેનલમાં સામેલ કર્યા છે, ઓનલાઈન રેફરલ સિસ્ટમને સરળ બનાવી છે, દવાઓની ઉપલબ્ધતા પર ધ્યાન આપ્યું છે અને વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત હેલ્પડેસ્ક ખોલ્યા છે. આ પહેલથી લાખો લાભાર્થીઓને સીધો ફાયદો થયો છે.