)
નવી દિલ્હીઃ આઠમાં પગાર પંચથી કેન્દ્ર સરકારના વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સારો વધારો જોવા મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર ઓછામાં ઓછી બેઝિક સેલેરી 18,000 રૂપિયાથી વધી 51480 રૂપિયા થઈ શકે છે. આ સિવાય એક નવી હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ વર્તમાન સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) ની જગ્યા લઈ શકે છે, જે સારૂ મેડિકલ કવરેજ ઓફર કરશે. પરંતુ આઠમું પગાર પંચ ક્યારે લાગૂ થશે તેની સત્તાવાર કોઈ જાણકારી સામે આવી નથી.
પંચની રચના થવાની બાકી
લાઇવમિંટના રિપોર્ટ અનુસાર પંચની હજુ ઔપચારિક રૂપથી રચના થઈ નથી અને અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંકની સાથે શરતોને અંતિમ રૂપ આપવાનું બાકી છે. આ વિલંબ માટે નાણાકીય અને વહીવટી પડકારને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીઝનું માનવું છે કે આઠમું પગાર પંચ 2026ના અંત કે 2027ની શરૂઆત પહેલા લાગૂ થવાની સંભાવના નથી. કોટક પ્રમાણે પાછલા પગાર પંચની રચના બાદ રિપોર્ટ જમા કરાવવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગતો હતો. ત્યારબાદ કેબિનેટની મંજૂરી બાદ તેને લાગૂ કરવામાં 3-9 મહિના બીજા લાગતાં હતાં.
બ્રોકરેજ ફર્મનો અંદાજ
કોટક રિપોર્ટમાં એવો પણ અંદાજ છે કે લઘુત્તમ મૂળ પગાર દર મહિને આશરે 30,000 રૂપિયા સુધી વધી શકે છે. આ ફિટમેન્ટ ફેક્ટર લગભગ 1.8% અને 13% નો વધારો દર્શાવે છે. જ્યારે એમ્બિટ કેપિટલના રિપોર્ટમાં અંદાજ છે કે પગાર અને પેન્શનમાં 30-34% નો વધારો થઈ શકે છે, જેનો સીધો લાભ લગભગ 44 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને થશે. બ્રોકરેજ કંપની કહે છે કે 8મું પગાર પંચ 7મા પગાર પંચનું સ્થાન લેશે, જે 2016 માં લાગુ કરવામાં આવ્યું હતું અને લગભગ 14% નો સાધારણ વધારો આપ્યો હતો.
એમ્બિટ કેપિટલ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.46 વચ્ચે હોઈ શકે છે. આ વચ્ચે અંતિમ આંકડા બેઝિક સેલેરી, મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA) અને કુલ પગારના બીજા કોમ્પોનેન્ટ્સ પ્રભાવિત કરશે. એમ્બિટ રિપોર્ટમાં તે પણ ચેતવણી આપવામાં આવી છે કે આ ભલામણોને જાન્યુઆરી 2026 માટે અસ્થાયી રૂપથી નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ પંચની હજુ સુધી ઔપચારિક રચના ન હોવાને કારણે તેને લાગૂ કરવામાં વિલંબ થઈ શકે છે. આ વિલંબને કારણે કર્મચારીઓની બાકી ચુકવણીમાં વધારો થઈ શકે છે.