8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, જાણો ક્યારે લાગૂ થશે આઠમું પગાર પંચ? કેટલો વધી શકે પગાર

8th Pay Commission: આઠમાં પગાર પંચની રચના અંગે જાહેરાત તો થઈ ગઈ પરંતુ લાગૂ ક્યારે થશે તે અંગે મોટો સવાલ ઘૂમરાઈ રહ્યો છે. તેની ભલામણો હેઠળ કેટલો પગાર વધશે એ પણ સરકારી કર્મચારીઓને પ્રશ્ન થઈ રહ્યો છે. જાણો વિગતો. 

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, જાણો ક્યારે લાગૂ થશે આઠમું પગાર પંચ? કેટલો વધી શકે પગાર

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. આ જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ નવા પગાર પંચની  ભલામણો ક્યારે લાગૂ થશે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આઠમાં પગાર પંચનો ફાયદો લગભગ 50 લાખ સરકારી કર્મચારીઓને મળશે. આઠમાં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 2.86ના ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે વધારો થઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

પહેલા એવું મનાતું હતું કે સરકાર 1 જાન્યુઆરી 2026થી આઠમાં પગાર પંચની ભલામણો લાગૂ કરી શકે છે. પરંતુ હવે આ અંગે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે જેનાથી લાગે છે કે કેન્દ્રીય કર્મચારીઓનો ઈન્તેજાર થોડો લંબાઈ શકે છે. 

એક્સપર્ટ્સનો મત
મીડિયા રિપોર્ટ મુજબ એક્સપર્ટ્સનું માનીએ તો 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગૂ કરવું મુશ્કેલ છે. એટલે કે  તેને લાગૂ કરવામાં થોડો વિલંબ થઈ શકે છે. જો કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે આઠમું પગાર પંચ લાગૂ કરવા માટે સરકાર પાસે પૂરતો સમય છે. કારણ કે એક વર્ષ પહેલા જ તેની જાહેરાત કરી દેવાઈ છે. પરંતુ નોંધવા જેવી વાત એ છે કે સરકારે આઠમાં પગાર પંચ માટે સંદર્ભ શરતો(Terms of Reference – ToR) ની જાહેરાત હજુ સુધી કરી નથી. આવામાં 1 જાન્યુઆરી 2026ના રોજ આઠમું પગાર પંચ ક્યાં લાગૂ થઈ શકે તે અંગે અસમંજસની સ્થિતિ બનેલી છે. 

અત્રે જણાવવાનું કે પંચની રચના પહેલા કેન્દ્રીય કેબિનેટે તેની સંદર્ભ શરતોને મંજૂરી આપવાની હોય છે. ત્યારબાદ જ પગાર પંચ આ મામલે કાર્મિક અને તાલિમ વિભાગ (Department of Personnel and Training) અને રક્ષા મંત્રાલયનો મત લે છે. રિપોર્ટ્સ મુજબ ભલે ભલામણો લાગૂ થવામાં થોડો સમય લાગી શકે પરંતુ તેના માટે પ્રક્રિયા જલદી શરૂ થશે. 

દર 10 વર્ષે નવું પગાર પંચ
ભારતમાં પહેલા પગાર પંચની રચના 1946માં કરાઈ હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં સાત પગાર પંચની ભલામણો લાગૂ થઈ ચૂકી છે. દર 10 વર્ષ બાદ નવું પગાર પંચ લાગૂ  થાય છે. સાતમા પગાર પંચનો કાર્યકાળ 2026માં પૂરો થઈ રહ્યો છે. આથી આ વર્ષે આઠમાં પગાર પંચની પ્રક્રિયા શરૂ કરાશે. જેથી કરીને આગામી વર્ષથી લાગૂ થઈ શકે. 

પગારમાં આટલા વધારાનું અનુમાન
સરકારે સંકેત આપ્યો છે કે આઠમાં પગાર પંચી ભલામણો લાગૂ થવાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.08 નક્કી થાય તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 8th Pay Commission minimum salary increase) 18,000 રૂપિયાથી વધીને લગભગ 37,440 થઈ શકે. એ જ રીતે પેન્શનર્સનું પેન્શન 9000 રૂપિયાથી વધીને 18,720 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી પહોંચે તો પગારમાં લગભગ 186%નો વધારો જોવા મળી શકે છે. આવામાં લઘુત્તમ પગાર 51,480 રૂપિયા અને પેન્શન 25,740 રૂપિયા સુધી વધી શકે છે. 

વિલંબ થશે તો મળશે એરિયર?
એક્સપર્ટ્સનું માનવું છે કે નાણામંત્રીએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આઠમાં પગાર પંચની ફાળવણીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આ સિવાય સાતમાં પગાર પંચના 10 વર્ષ પૂરા થયા બાદ જ આઠમું પગાર પંચ લાગૂ કરી શકાશે. આ તમામ ચીજોને જોતા 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગુ થવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે. 

એક્સપર્ટ્સનું માનીએ તો જો આઠમું પગાર પંચ લાગૂ થવામાં વિલંબ થાય તો કર્મચારીઓને તેની કોઈ અસર પડશે નહીં. કારણ કે વિલંબ થવાની સ્થિતિમાં પણ સરકાર તમામ કર્મચારીઓને જેટલો વિલંબ થયો છે તે હિસાબે એરિયર આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news