)
RBI Repo Rate: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) સોમવાર એટલે કે 29 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની બેઠક શરૂ થવા જઈ રહી છે. RBIની MPCની આ બેઠક અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવા અને જિયોપોલિટિકશ ટેન્શન વચ્ચે થઈ રહી છે. કમિટી તરફથી 1 ઓક્ટોબરે નિર્ણય આવશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની આ સમિતિ વ્યાજ દરો પર વિચાર કરશે. ફેબ્રુઆરીથી RBIના રેપો રેટમાં 100 BPSનો ઘટાડો કર્યો છે, કારણ કે, કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત મોંધવારીમાં ઘટાડો થયો છે. જો કે, ઓગસ્ટમાં કમિટી દ્વારા કોઈ ફેરફાર કર્યો નથી. હવે રેપો રેટમાં ઘટાડો થશે કે કેમ તે અંગે નિષ્ણાતોમાં મતભેદ છે.
SBI રિસર્ચની ભલામણ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના રિસર્ચ રિપોર્ટે 25 BPSનો વ્યાજ દરમાં ઘટાડો કરવાની ભલામણ કરી છે. રિપોર્ટ અનુસાર RBI માટે "સૌથી સારો ઓપ્શન" માનવામાં આવે છે. રિપોર્ટ મુજબ, રિટેલ મોંઘવારી દર આગામી નાણાકીય વર્ષમાં પણ ઓછો રહેશે. CPI મોંઘવારી દર 4 ટકાથી નીચે રહેવાની ધારણા છે. SBIના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું કે, સપ્ટેમ્બરના દર ઘટાડાથી RBI એક ભવિષ્યવાદી કેન્દ્રીય બેન્ક તરીકે સ્થાન મેળવશે. રિપોર્ટમાં GST ઘટાડાથી મોંઘવારીમાં 65-75 BPS પોઇન્ટનો ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી છે.
વિકાસ દર 6.5 ટકાથી ઉપર રહેશે
ઘણા નિષ્ણાતો રેપો રેટ આ સ્તરે રહેવાનું કહી રહ્યા છે. બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મધન સબનાવીસે જણાવ્યું કે, મોંઘવારી 4 ટકાથી નીચે છે, વિકાસ દર 6.5 ટકાથી ઉપર રહેશે. ટેરિફની અસર જોવાનું બાકી છે. ICRAના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું કે, GST સરળીકરણથી મોંઘવારીમાં 25-50 bpsનો ઘટાડો થશે, પરંતુ માંગમાં વધારો થશે. ઓક્ટોબરમાં આ સ્થિતિ જાળવી રાખવી જોઈએ. જો કે, CRISILના ચીફ ઈકોનોમિસ્ટ ધર્મકીર્તિ જોશીએ જણાવ્યું કે, ઓછા મોંઘવારીથી ઓક્ટોબરમાં જ 25 bpsનો ઘટાડો થઈ શકે છે. કોર મોંઘવારી ઐતિહાસિક રીતે ઓછો છે.
GST સ્લેબ ઘટાડીને બે કરવામાં આવ્યા
22 સપ્ટેમ્બરથી GSTના ચાર સ્લેબને ઘટાડીને બે સ્લેબ કરવામાં આવ્યા છે. હવે GSTના 5% અને 18% સ્લેબ છે. અગાઉ 5%, 12%, 18% અને 28%ના સ્લેબ હતા. GSTના સ્લેબમાં ફેરફાર કર્યા બાદ 99% દૈનિક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી 2025-26ના ત્રીજા ક્વાર્ટરથી મોંઘવારી વધુ ઘટશે. ICRAનો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2026માં સરેરાશ મોંઘવારી 2.6% રહેશે. ઓક્ટોબર-નવેમ્બર 2025માં ફુગાવો નવા નીચા સ્તરે પહોંચી શકે છે.
રેપો રેટ ઘટાડવામાં આવે તો તેની શું અસર થશે?
આ વર્ષે ફેબ્રુઆરીથી જૂન સુધીમાં RBIએ ત્રણ MPCમાં 100 બેસિસ પોઈન્ટનો દર ઘટાડ્યો છે. રેપો રેટ ઘટાડાની અસર દરેક સેક્ટર પર જોવામાં આવે છે. આ વખતે પણ જો રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડે છે, તો RBI બેન્કોને સસ્તી લોન આપશે. આની સામાન્ય લોકો અને અર્થતંત્ર પર અનેક અસરો પડશે. આની અસર લોનના વ્યાજ દરમાં જોવા મળશે. રેપો રેટ ઘટાડવાથી બેન્કો માટે ઉધાર લેવાનું સસ્તું બનશે. આનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર વ્યાજ દર ઓછા થઈ શકે છે. લોકોને લોન મેળવવાનું સરળ અને સસ્તું લાગશે.
સસ્તી લોનથી લોકોને ઘર, કાર અથવા અન્ય વસ્તુઓ ખરીદવાનું વિચારશે. આનાથી બજારમાં માંગ વધશે, જેનાથી વ્યવસાયમાં વધારો થશે. જ્યારે લોકો અને કંપનીઓ વધુ ખર્ચ કરશે, તો અર્થતંત્રને વેગ મળશે. નોકરીની તકો વધી શકે છે અને વિકાસ દર વધી શકે છે. રેપો રેટ ઘટાડવાથી નાણાંનો પુરવઠો વધી શકે છે. જો તે વધારે વધે છે, તો મોંઘવારીનું જોખમ હોઈ શકે છે. જો કે, જો મોંઘવારી પહેલાથી જ ઓછો હોય તો તેનો ફાયદો મળશે.