)
Central Govt Employees: તહેવારોની સિઝન પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. મોદી સરકારે કેન્દ્ર સરકારના ગ્રુપ C અને નોન-ગેઝેટેડ ગ્રુપ B કર્મચારીઓ માટે ઉત્પાદકતા-સંલગ્ન બોનસ (પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ) તરીકે 30 દિવસના પગાર જેટલું એડ-હોક બોનસ જાહેર કર્યું છે. નાણા મંત્રાલયે સોમવારે એક આદેશ જારી કરીને જણાવ્યું કે, 2024-25 માટે બોનસની રકમ 6,908 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કોને ફાયદો થશે?
- આ બોનસ એવા બધા કર્મચારીઓને આપવામાં આવશે જેઓ 31 માર્ચ 2025 સુધી સેવામાં રહ્યા છે અને જેમણે ઓછામાં ઓછા છ મહિના સુધી સતત કામ કર્યું છે.
- જો કોઈએ આખા વર્ષ માટે કામ કર્યું નથી, તો તેમને પ્રો-રેટા આધારે (એટલે કે, જેટલા મહિના કામ કર્યું છે, તેના હિસાબે) બોનસ આપવામાં આવશે.
- કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના લાયક કર્મચારીઓને પણ આ બોનસનો લાભ મળશે.
- કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના કર્મચારીઓ જેઓ કેન્દ્ર સરકારના પગાર માળખા પર કામ કરે છે અને અન્ય કોઈ બોનસ અથવા એક્સ-ગ્રેશિયા માટે પાત્ર નથી તેઓને પણ આ લાભ મળશે.
- એડ-હોક કર્મચારીઓ, જેમની સેવામાં કોઈ વિરામ ન હોય તેવા પણ પાત્ર રહેશે.
- કેઝ્યુઅલ લેબરર, જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં ચોક્કસ દિવસો સુધી કામ કર્યું છે. તેમને પણ બોનસ આપવામાં આવશે. તેમનું બોનસ 1,184 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ
ફક્ત એવા કર્મચારીઓ જ પાત્ર રહેશે જે 31 માર્ચ 2025 સુધી સેવામાં રહ્યા.
આ તારીખ પહેલાં નિવૃત્ત થયેલા, રાજીનામું આપનારા અથવા મૃત્યુ પામેલા કર્મચારીઓમાંથી ફક્ત તે જ લોકો પાત્ર રહેશે જેમણે ઓછામાં ઓછા છ મહિનાની સેવા આપી હશે.
જે કર્મચારીઓ ડેપ્યુટેશન પર અન્ય સંગઠનોમાં કાર્યરત છે, તેમને બોનસ તેમની વર્તમાન સંસ્થા દ્વારા આપવામાં આવશે.
બોનસની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
બોનસની ગણતરી મહત્તમ 7,000 માસિક પગાર પર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે: 7,000 રૂપિયા × 30 ÷ 30.4 = 6,907.89 રૂપિયા. નોંધનીય છે કે, સરકારના આ નિર્ણયથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને સુરક્ષા દળના જવાનોને સીધો ફાયદો થશે. આ ઉત્સવના બોનસથી તેમના પરિવારોને મોટી રાહત અને ખુશી લાવશે તેવી અપેક્ષા છે.