)
7th pay commission: તહેવારની સિઝન પહેલા કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપવા જઈ રહી છે. સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં 3 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે. આ નિર્ણયથી દેશભરમાં 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. જાણકારી અનુસાર તેની ઔપચારિક જાહેરાત ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવી શકે છે.
વર્તમાનમાં કેટલું મળે છે મોંઘવારી ભથ્થું
બિઝનેસ ટુડેના એક રિપોર્ટ પ્રમાણે સરકાર આ વખતે જાહેરાત દિવાળીના સમયે કરશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારની સિઝનમાં રાહત મળી શકે. આ સુધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55 ટકાથી વધી 58 ટકા થઈ જશે. આ વધારો જુલાઈ 2025થી લાગૂ માનવમાં આવશે.
ક્યારે-ક્યારે થાય છે ડીએ રિવીઝન?
કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પ્રથમ વધારો હોળી પહેલા (જાન્યુઆરી-જૂન માટે) બીજું સંશોધન દિવાળી પહેલા (જુલાઈ-ડિસેમ્બર માટે). પાછલા વર્ષે ઓક્ટોબર 2024મા સરકારે દિવાળીના બે સપ્તાહ પહેલા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી હતી. આ વર્ષે દિવાળી 21-22 ઓક્ટોબર 2025ના છે. તે પહેલા સરકાર જાહેરાત કરી શકે છે.
કેટલો વધશે પગાર
હાલમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18000 રૂપિયા છે, જ્યારે પેન્શનરોને લઘુત્તમ રૂ. 9000 પેન્શન મળે છે. હાલમાં, 55% DA/DR દર લાગુ થયા પછી, કર્મચારીઓનો કુલ લઘુત્તમ માસિક પગાર (મૂળભૂત + DA) 27900 રૂપિયા થઈ ગયો છે અને પેન્શનરોને (મૂળભૂત પેન્શન + DR) 13,950 રૂપિયા મળી રહ્યા છે. ટૂંક સમયમાં DA/DRમાં વધુ એક વધારો જાહેર થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દર વર્ષે બે વાર DA/DR વધારો કરે છે - પહેલો વધારો 1 જાન્યુઆરીથી અને બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવે છે.
હવે કેટલો વધારો થઈ શકે છે?
કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર 2025મા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડીએને લઈને સરકાર સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે DA/DRમાં ત્રણ ટકાના વધારાની સંભાવના છે. જો સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરશે તો કર્મચારીઓનું ડીએ 55 ટકાથી વધી 58 ટકા થઈ જશે.