જાણો દેશનાં સૌથી સમૃદ્ધ ગણાતા ગુજરાતનાં મુખ્યમંત્રી પાસે કેટલી સંપતિ છે

મુખ્યમંત્રીએ રજુ કરેલા સોગંદનામાં અનુસાર હાલ તેમની પાસે સ્થાવર અને જંગમ સહિત કુલ 7 કરોડની સંપત્તિ છે

Updated By: Nov 20, 2017, 05:43 PM IST
જાણો દેશનાં સૌથી સમૃદ્ધ ગણાતા ગુજરાતનાં મુખ્યમંત્રી પાસે કેટલી સંપતિ છે

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની મિલકતોની જાહેરાત કરી છે જેમાં તેમની પાસે સાત કરોડની મિલકતો હોવાના વિગતો બહાર આવી છે. રાજકોટ પશ્ચિમની બેઠક પરથી તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું જેની ચૂંટણી 9મી ડિસેમ્બરે થવાની છે. રૂપાણીએ તેમના પત્નિની પણ સંપત્તિ જાહેર કરી છે. રૂપાણીએ સોગંદનામામાં તેમનું નામ વિજય રમણીકલાલ રૂપાણી નોંધાવ્યું છે. વિજય રૂપાણીએ 2016-17માં 18 લાખનું અને તેમના પત્નિ અંજલીબહેને 3.50 લાખનું રિટર્ન ફાઇલ કર્યું છે.

વિજય રૂપાણી પાસે હાથ પર માત્ર 1.28 લાખની રોકડ છે. અંજલીબહેન પાસે 49000 છે. બેન્ક, શેર તથા અન્ય જગ્યાએ મુખ્યમંત્રીએ 46.49 લાખ અને અંજલીબહેને 1.45 કરોડનું રોકાણ કર્યું છે. મુખ્યમંત્રી અને તેમના પત્નિએ એલઆઇસીમાં પણ રોકાણ કર્યું છે. રૂપાણીના પીપીએફમાં 2.22 લાખ છે. એલઆઇસીમાં 10.79 લાખનું રોકાણ છે. અંજલીબહેનનું બન્નેમાં 10 લાખનું રોકાણ છે.

સોગંદનામામાં રૂપાણી પર 21.34 લાખનું દેવું છે. તેમણે તેમની જંગમ મિલકત 3.45 કરોડ અને અંજલીબહેને 1.98 કરોડ જાહેર કરી છે. સ્થાવર મિલકતમાં રૂપાણી પાસે 55 લાખ અને અંજલીબહેન પાસે 82 લાખ છે. રૂપાણીએ 73 લાખની લોન લીધી છે જ્યારે તેમના પત્નિએ 9.67 લાખની લોન જાહેર કરી છે. રૂપાણી પાસે 14 લાખની ઇનોવા કાર છે. અંજલીબહેન પાસે વેગન-આર કાર છે જેની કિંમત ત્રણ લાખ દર્શાવવામાં આવી છે. રૂપાણી પાસે 383 ગ્રામ અને તેમના પત્નિ પાસે 486 ગ્રામ સોનું છે.