NRI નાગરિકોને આધાર લિંકિંગમાંથી મુક્તિ

મોટા ભાગનાં NRI, PIO અને OCI આધાર માટે પાત્ર ઠરતા નહી હોવાથી નિયમમાંથી છુટછાટ અપાઇ

Updated By: Nov 20, 2017, 10:33 AM IST
NRI નાગરિકોને આધાર લિંકિંગમાંથી મુક્તિ

નવી દિલ્હી : NRI (નોન-રેસીડંટ ઇન્ડીયન્સ) અને PIO (પરસન્સ ઓફ ઇન્ડીયન ઓરિજીન) માટે તેમના બેંક ખાતા અને PANને આધાર સાથે લીંક કરાવવું ફરજીયાત નથી તેવી UIDAI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સ્પષ્ટતામાં જણાવાયું છે કે, આધાર માટે નોંધણી કરાવવા જે હસ્તીઓ પાત્ર ઠરતી હોય તેમના માટે જ આવું લિંકિંગ ફરજીયાત છે. આ બાબતમાં પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ રુલ્સ, 2017અને આવક વેરા ધારામાં આ બાબતમાં સ્પષ્ટ જોગવાઇ છે.

UIDAI (યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડીયા) એ આજે જણાવ્યું હતુ કે એનઆરઆઇ અને પીઆઇઓએ તેમના બેન્ક ખાતા તથા અન્ય સેવાઓ આધાર સાથે લીંક કરવાની જરૂર નથી. ઉપરાંત અમલ માટે જવાબદાર વિવિધ એજન્સીઓને સૂચના પણ અપાઇ છે કે આવી વ્યક્તિઓના સ્ટેટસ વેરીફાય કરવા માટેની યોગ્ય યંત્રણા પણ તૈયાર કરવામાં આવે.

તમામ કેન્દ્રીય મંત્રાલયો અને ખાતાઓ, રાજ્ય સરકારો તથા અમલ માટે જવાબદાર વિવિધ એજન્સીઓએ ધ્યાન રાખવાનું કે ઓળખપત્ર તરીકે આધારની માગણી માત્ર એવી હસ્તીઓ પાસેથી જ કરવી કે જેઓ આધાર ધારા હેઠળ તે માટે પાત્ર ઠરતા હોય.

મોટા ભાગના એનઆરઆઇ,પીઆઇઓ અને OCI (ઓવરસીસ સીટીઝન્સ ઓફ ઇન્ડીયા) આધાર માટે પાત્ર ઠરતા નથી અને તેથી જ તેમની પાસેથી આધાર સાથે આવા લિંકિંગ કે આધાર પત્ર દ્વારા ઓળખનો આગ્રહ ન રાખવો એવું પણ UIDAI સૂચિત કર્યું છે. ઘણી સેવાઓ અને લાભો માટેની આવા વર્ગ દ્વારા કરાતી વિનંતિ સાથે આધાર કે આધાર લિંકિંગની માંગણી કરાતી હોવાની અનેક ફરિયાદોના પગલે આ ખુલાસો કરવો પડ્યો હોવાનું પણ આ સત્તાએ જણાવ્યું હતુ.