નાણા મંત્રાલયનો બેંકોને મહત્વનો નિર્દેશ, મોટા લોનધારકોના પાસપોર્ટની વિગતો માગી

પંજાબ નેશનલ બેંકમાં મહાકૌભાંડનો ખુલાસો થયા બાદ સરકાર બેંકોમાંથી રૂપિયા લઈને દેશમાંથી બહાર ભાગવા માંગતા લોકો પર લગામ કસવા માટે લોનના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે.

Updated By: Mar 7, 2018, 11:27 AM IST
નાણા મંત્રાલયનો બેંકોને મહત્વનો નિર્દેશ, મોટા લોનધારકોના પાસપોર્ટની વિગતો માગી
ફાઈલ તસવીર

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં મહાકૌભાંડનો ખુલાસો થયા બાદ સરકાર બેંકોમાંથી રૂપિયા લઈને દેશમાંથી બહાર ભાગવા માંગતા લોકો પર લગામ કસવા માટે લોનના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. નાણા મંત્રાલયે સાર્વજનિક ક્ષેત્રની બેંકોને 45 દિવસની અંદર જે લોકોએ 50 કરોડથી વધુની લોન બેંકો પાસેથી લીધેલી છે તે તમામ લોકોના પાસપોર્ટની વિગતો પૂરી પાડવા જણાવ્યું છે. નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો બેંકોના નાણાની ઉચાપત કરીને દેશમાંથી બહાર ન ભાગી શકે તે રોકવાનો આ કાર્યવાહીનો હેતુ છે તેમ સૂત્રોએ જણાવ્યું.

સૂત્રોએ નાણા મંત્રાલયની ભલામણનો હવાલો આપતા જણાવ્યું કે જો લોન લેનાર પાસે પાસપોર્ટ નથી તો બેંકોએ ઘોષણાપત્રના સ્વરૂપમાં પ્રમાણપત્ર લેવું પડશે. જેમાં ઉલ્લેખ કરવો પડશે કે સંબંધિત વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી. ભલામણમાં કહેવાયું છે કે લોન અરજી ફોર્મમાં ઉપરોક્ત સંશોધન થવું જોઈએ જેથી કરીને લોન લેનારાની પાસપોર્ટની વિગતો પણ અરજીફોર્મમાં સામેલ થઈ શકે. પાસપોર્ટની વિગતોથી બેંકોના નાણાની ઉચાપત કરીને દેશ છોડીને ભાગવાનું વિચારનારા લોકોને રોકવા માટે સમયસર કાર્યવાહી અને સંબંધિત ઓથોરિટીઝને સૂચિત કરવામાં મદદ મળશે.

બેંકો પાસે પાસપોર્ટની વિગતો ન હોવાના કારણે જાણી જોઈને લોન ન ચૂકવનારા લોકોને દેશ છોડીને જતા રોકવા માટે સમયસર પગલાં લઈ શકાતા નથી. નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા અને જતિન મહેતા જેવા અનેક મોટા કૌભાંડીઓ દેશ છોડીને ફરાર થઈ ગયાં. જેના કારણે વસૂલી પ્રણાલીની સમસ્યાઓ વધી છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ મંત્રીમંડળે ભાગેડુ આર્થિક અપરાધ બિલને મંજૂરી આપી છે. નીરવ મોદી અને તેના સંબંધી મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંક સાથે 12,700 કરોડ રૂપિયાનું જે કૌભાંડ આચર્યું ત્યારબાદ આ બિલ ઝડપથી મંજૂર કરવામાં આવ્યું.

બેંકોને સાફ સુથરી બનાવવાના પ્રયત્નો હેઠળ નાણા મંત્રાલયે ગત સપ્તાહ સાર્વજનિક ક્ષેત્રની બેંકોને જે લોકોના 50 કરોડ રૂપિયાથી વધુ બાકી છે તે તમામ લોનધારકોના ખાતાની તપાસ કરવા જણાવ્યું છે. આ સાથે જ લાગતા વળગતા મામલાઓની સૂચના સીબીઆઈને આપવા પણ જણાવ્યું. જેનો હેતુ ઉચાપતની આશંકાની જાણકારી મેળવવાનો છે.

આ ઉપરાંત મંત્રાલયે બેંકોને 250 કરોડ રૂપિયાથી વધુની લોન પર નજર રાખવા જણાવ્યું છે. આ સાથે જ લોનની શરતોનો ભંગ થવા પર તરત જ સાવચેતીના પગલાં લેવાનું કહ્યું છે.

(ઈનપુટ-ભાષા)