)
નવા અઠવાડિયાના પહેલા દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્તો મોટો ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાએ વળી પાછો નવો રેકોર્ડ બનાવ્યો છે. સ્પોટ ગોલ્ડનો ભાવ $5,042.98 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો છે. જે અત્યાર સુધીનું સૌથી ઊંચુ સ્તર છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2025માં સોનાના ભાવમાં 64 ટકા જેટલો બંપર ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજી આ વર્ષે પણ ચાલુ છે. ભારતમાં પણ સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે. ભારતમાં સોનું કેટલે પહોંચ્યું એ પણ જાણો.
MCX પર સોનાના આજના ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર આજે 5 ફેબ્રુઆરીની એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું સવારે 9.20 કલાકે 1.64 ટકાના વધારા સાથે 158599 રૂપિયાના સ્તરે પહોંચ્યું. જ્યારે 5 માર્ચની એક્સપાયરીવાળી એક કિલો ચાંદી 6 ટકાના વધારા સાથે 354780 રૂપિયાના સ્તરે પહોંચ્યું. (ભાવ જીએસટી વગરના છે). આ ભાવ જોતા એમ થાય કે સોના અને ચાંદીમાં કેમ આટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલો તેના કારણો સમજીએ.
ભાવ વધારાના સંભવિત કારણો
1. જિયોપોલીટિકલ તણાવ
દુનિયાના અનેક દેશો વચ્ચે હાલ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી તેમના ટેરિફ બોમ્બે દુનિયાને હચમચાવી નાખી છે. ટ્રમ્પના હાલના નિવેદનોથી ટ્રેડ વોરની ચિંતા ફરી વધી છે. આવી સ્થિતિમાં લોકો સુરક્ષિત રોકાણ તરફ ઢળ્યા છે.
2. ડોલરમાં નબળાઈ
અમેરિકી ડોલરનો ભાવ 4 મહિનાના નીચલા સ્તરે આવ્યો છે. જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે રોકાણકારો સોના તરફ વળે છે અને સોનાના ભાવ ઊચકાય છે.
3. સેન્ટ્રલ બેંકોની તાબડતોડ ખરીદી
અનેક દેશોની સેન્ટ્રલ બેંકો મોટા પાયે સોનાની ખરીદી કરી રહી છે જેથી કરીને વિદેશી મુદ્રા પર નિર્ભરતા ઘટાડી શકાય. તાબડતોડ ખરીદીના પગલે ડિમાન્ડ વધતા સ્વાભાવિક રીતે સોનાના ભાવ પણ વધી રહ્યા છે.
4. રોકાણકારો પાછા વળ્યા
સોનામાં રોકાણ કરનારા ફંડ્સ (ETF)માં આ વર્ષે લગભગ 20 ટકાનો વધારો થયો છે. એટલે કે રોકાણકારો ફરીથી સોનાને સુરક્ષિત વિકલ્પ ગણી રહ્યા છે.
શું કહે છે વિશેષજ્ઞો
કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે જો દુનિયામાં આ રીતે તણાવ રહેશે તો સોનાના ભાવ હજુ વધી શકે છે. કેટલાકનું તો એવું પણ અનુમાન છે કે આવનારા મહિનાઓમાં સોનું $6,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જો કે વચ્ચે વચ્ચે ઘટાડો પણ જોવા મળી શકે છે.
હાલ સોનું ખરીદવું કે નહીં?
ભારતમાં સોનું માત્ર રોકાણ માટે નહીં પરંતુ લગ્ન પ્રસંગો કે શુભ પ્રસંગોમાં પણ ખરીદાતું હોય છે. એટલે સોનાના ભાવ વધે તો લોકોના ધબકારા વધી જાય તે સ્વાભાવિક છે. પરંતુ જો તમે ખરીદવાનું વિચારતા હોય તો હાલ આ ઊંચા ભાવ જોઈને સતર્ક રહેવું જરૂરી છે.