નવી દિલ્હી : લોકડાઉનની વચ્ચે શેરબજાર ડચકાં ખાય છે પણ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ એટલા ઉંચા થઈ ગયા છે કે, આગામી દિવસોમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ 50 હજાર રૂપિયા સુધી પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. સોનાના ભાવમાં 15 એપ્રિલના રોજ બજાર ખુલતાની સાથે જ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. MCX પર સોનું 46,445.00 રૂપિયાના સ્તર પર ખુલ્યુ હતુ અને થોડી જ ક્ષણમાં સોનુ 46,728.00 રૂપિયાના સ્તર પર પહોંચી ગયુ હતુ. માહિતી પ્રમાણે, લગભગ 10.15 વાગ્યો સોનું 374.00 રૂપિયાની તેજી સાથે 46660.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બિઝનેસ કરી રહ્યુ છે. ચાંદી MCX પર 769.00 પ્રતિ કિલોની તેજી સાથે 44525.00 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી હતી. સોનાના ધંધા સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે, જો આ જ ટ્રેન્ડ રહ્યો તો આગામી કેટલાક દિવસોમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ 50 હજાર રૂપિયાથી ઉપર પહોંચી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાંતોનુ કહેવું છે કે, કોરોના વાયરસ સંક્રમણના કારણે સમગ્ર દુનિયાના શેર બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામા દુનિયાભરમાં સોનું રોકાણકારોની પ્રથમ પસંદ બની ગયુ છે. મોટા પ્રમાણમાં રોકાણના કારણે છેલ્લા કેટલાક સમયમાં સોનાના ભાવમા તેજી પણ જોવા મળી રહી છે. આ વચ્ચે સરકારે સોનામાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ આપ્યો છે. RBI તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના પરામર્શથી ભારત સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ એપ્રિલ 2020 થી સપ્ટેમ્બર 2020 સુધી 6 હપ્તામાં જાહેર કરવામા આવશે. જે હેઠળ ઓછામાં ઓછા 1 ગ્રામ સોનામાં રોકાણ કરી શકાય છે.


કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે કિંમતી ધાતુઓના હાજર માર્કેટ બંધ રહ્યા છે. આ દરમિયાન વાયદા બજારમાં સોના-ચાંદીની  કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube