)
આજથી નવરાત્રી શરૂ થઈ અને પછી દીવાળી પણ આવશે. આપણા ત્યાં તહેવારોમાં સોના અને ચાંદીની ખરીદી થતી હોય છે. ત્યારે આજે જીએસટી 2.0 એટલેકે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ લાગૂ થયા છે જેને સરકાર ગ્રેટ સેવિંગ ફેસ્ટિવલ પણ ગણાવી રહી છે કારણ કે અનેક જીવનજરૂરિયાતની વસ્તુઓ પરથી ટેક્સ ઘટતા સસ્તી થઈ છે. જેના કારણે લોકોની બચત વધશે. આ બધા વચ્ચે સોનાની ખરીદી કરતા લોકોના મનમાં એ સવાલ ચોક્કસ ઉદભવે કે જીએસટી રેટમાં ફેરફાર થતા સોનું અને ચાંદી પણ શું હવે સસ્તું થશે કે નહીં?
સોના અને ચાંદી પર કેટલો જીએસટી?
અત્રે જણાવવાનું કે સરકારે આ વખતે અનેક વસ્તુઓ પર જીએસટી ઘટાડ્યો છે. પરંતુ સોના અને ચાંદી તે યાદીમાં સામેલ નથી. સોના અને ચાંદી પર તમારે પહેલાની જેમ જ 3 ટકા જીએસટી ચૂકવવો પડશે. જેમાં 1.5 ટકા સેન્ટ્રલ જીએસટી અને 1.5 ટકા સ્ટેટ જીએસટી સામેલ છે. જો તમે જ્વેલરી ખરીદો તો સોનાના ભાવ ઉપરાંત મેકિંગ ચાર્જ ઉપર પણ 5 ટકા જીએસટી અલગથી લાગશે. પરંતુ જો તમે ડિજિટલ ગોલ્ડ ખરીદો તો તમારે ફક્ત 3 ટકા જીએસટી ભરવો પડે. એટલે કે ગોલ્ડ જ્વેલરી ખરીદતી વખતે ફક્ત સોનાની કિંમત નથી ચૂકવતા પરંતુ તેમાં ટેક્સ અને મેકિંગ ચાર્જ પણ એડ થાય છે. આ કારણે જીએસટી રેટ કટનો ફાયદો સોના અને ચાંદીના ભાવ પર સીધી રીતે જોવા નહીં મળે.
સોનું ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
સોનાના ભાવ રેકોર્ડ હાઈ પર છે આવામાં ખરીદી કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
- સૌથી પહેલા એ જુઓ કે સોનું હોલમાર્કવાળું છે કે નહીં. હોલમાર્ક વગરનું સોનું લેવું એટલે જોખમ લેવા બરાબર છે.
- સોનાની શુદ્ધતા પણ જાણી લેવી જોઈએ. 24 કેરેટ સોનું સંપૂર્ણ રીતે શુદ્ધ હોય છે. પરંતુ તેનાથી ઘરેણા બનતા નથી. ઘરેણા માટે 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. તેના ભાવ અલગ હોય છે. આથી ખરીદતી વખતે શુદ્ધતા અને કિંમતની યોગ્ય સરખામણી કરો.
- આ ઉપરાંત જ્વેલર પાસેથી હંમેશા લેખિત બિલ લો. આ બિલમાં સોનાની શુદ્ધતા, કેરેટ અને જો ઘરેલામાં નંગ લાગેલા હોય તો તેની જાણકારી સ્પષ્ટ લખેલી હોવી જોઈએ. નંગવાલા ઘરેણાનું સર્ટિફિકેટ લેવું પણ જરૂરી છે.
રોકાણ અને બચતનો યોગ્ય નિર્ણય
તહેવારોમાં સોનું ખરીદવાની પણ પરંપરા હોય છે અને રોકાણ પણ થાય છે. કિંમત ભલે વધુ હોય પરંતુ જો તમે ભરોસાપાત્ર જ્વેલર પાસેથી યોગ્ય રીતે તપાસીને સોનું ખરીદો તો તે લાંબા સમયમાં તમારા માટે સુરક્ષિત રોકાણ સાબિત થઈ શકશે. તો આ વખતે તમારે હવે એ જાણી લેવું જરૂરી છે કે નવરાત્રી, ધનતેરસ કે દીવાળી પર સોનું ખરીદવા જાઓ તો એ જરૂર યાદ રાખો કે જીએસટી રેટમાં કાપની અસર ગોલ્ડ અને સિલ્વર પર નહીં પડે. તમારે પહેલાની જેમ જ 3 ટકા જીએસટી અને જ્વેલરી પર મેકિંગ ચાર્જ પ્રમાણે ટેક્સ ભરવો પડશે.