)
તહેવારી સીઝન બરાબર શરૂ થાય તે પહેલા તમારા ખિસ્સાનો બોજો હળવો થઈ શકે છે! દેશના કરોડો લોકો અને વેપારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠકમાં નેક્સ્ટ-જનરેશન GST રિફોર્મ્સ પર મહોર લાગી શકે છે. જેની સીધી અસર તમારા રસોડાથી લઈને તમારી હેલ્થ પોલીસી પર પડશે.
આ મોટા ફેરફારનો સંકેત પીએમ મોદીએ પોતે આજે સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી આપ્યો. તેમણે વચન આપ્યું હતું કે જીએસટીમાં આગામી પેઢીના સુધારા કરવામાં આવશે. જેનાથી સામાન્ય લોકો અને નાના-મધ્યમ વેપારીઓ (MSMEs) પર ટેક્સનો બોજો ઘટશે. હવે લાગે છે કે આ વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે.
12 ટકાવાળો ટેક્સ સ્લેબ રદ થશે?
GST ની હાલની સિસ્ટમ છે જેમાં મુખ્ય રીતે 5 ટેક્સ સ્લેબ છે. 0%, 5%, 12%, 18% અને 28%. સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર 12ટકાવાળા સ્લેબને સંપૂર્ણ રીતે ખતમ કરવાની તૈયારીમાં છે. જો આમ થયું તો 12% ના દાયરામાં આવતી મોટાભાગની પ્રોડક્ટ્સ 5%ના સ્લેબમાં લાવવામાં આવી શકે છે.
શું શું થઈ શકે છે સસ્તું?
12% વાળા સ્લેબમાં પોસેસ્ડ ફૂડ (જેમ કે માખણ, ઘી, સોસ) મોબાઈલ ફોન (કેટલાક કેસમાં), છત્રી, સિલાઈ મશીન, અને અનેક રોજબરોજની વસ્તુઓ આવે છે. જો આ 5 ટકાના સ્લેબમાં આવી જશે તો તેના ભાવમાં સીધો ઘટાડો જોવા મળી શકે છે.
વીમો સસ્તો થશે?
કોરોના બાદથી દરેકને હેલ્થ અને લાઈફ ઈન્શ્યુરન્સનું મહત્વ ખબર પડી ગઈ છે. પરંતુ તેના પર લાગતો 18% જીએસટી બધાને માથે વાગે છે. કાઉન્સિલ તેમાં પણ રાહત આપી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હેલ્થ અને લાઈફ ઈન્શ્યુરન્સ પર જીએસટી કા તો ખુબ ઘટાડી શકાય છે કે અથવા તો ઝીરો પણ કરી શકાય છે. જો આમ થયું તો તમારી ઈન્શ્યુરન્સ પોલીસીનું પ્રીમિયમ સીધે સીધુ ઘણું ઘટી જશે. જેનાથી વધુમાં વધુ લોકો પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરી શકશે.
સામાન્ય માણસની થાળી ઉપર પણ નજર
સરકારનું ફોકસ સામાન્ય માણસને રોજબરોજની મોંઘવારીથી રાહત આપવા ઉપર પણ છે. કાઉન્સિલની બેઠકમાં રોજબરોજની વસ્તુઓ ઉપર પણ જીએસટી ઘટાડવા પર વિચાર થઈ શકે છે. જો કે આ કઈ કઈ વસ્તુઓ હશે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ તેનો હેતુ તહેવારની સીઝનમાં લોકોના ઘરનું બજેટ સંભાળવાનું છે.
વેપારીઓ માટે પણ મોટી રાહત
જીએસટી સિસ્ટમમાં એક સૌથી મોટી સમસ્યા છે 'બ્લોક્ડ ઈનપુટ ટેક્સ ક્રેડિટ'(Blocked ITC). સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ વેપારી કોઈ સામાન બનાવવા માટે કાચો માલ ખરીદે છે ત્યારે તેના પર જીએસટી ચૂકવે છે. ત્યારબાદ જ્યારે તે પોતાની ફાઈનલ પ્રોડક્ટ વેચે છે ત્યારે તે સરકારને તે કાચા માલ પર ચૂકવવામાં આવેલા GST ને પાછો ક્લેમ કરી શકે છે. તેને ઈનપુટ ટેક્સ ક્રેડિટ(ITC) કહે છે. પરંતુ CGST એક્ટની સેક્શન 17(5) હેઠળ કેટલીક ચીજો પર ચૂકવવામાં આવેલો જીએસટીની ક્રેડિટ વેપારીઓને પાછો મળતો નથી. જેનાથી તેમના પૈસા ફસાઈ જાય છે.
કાઉન્સિલ આ ફસાયેલા ક્રેડિટને કાઢવા માટે નિયમોને સરળ બનાવવા માટે કોઈ ફોર્મ્યૂલા લાવી શકે છે. જેનાથી લાખો નાના વેપારીઓને મોટી રાહત મળશે.
બીજુ શું શું થઈ શકે
નાની કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તેજ કરીને ફક્ત 3 દિવસમાં પૂરી કરવાનો પ્રસ્તાવ છે. રિફંડની પ્રક્રિયાને ટેક્નોલોજીની મદદથી વધુ તેજ અને ઓટોમેટિક બનાવવાની યોજના છે. સારા સમાચાર એ છે કે સરકાર કોઈ નવો સેસ લગાવવાના મૂડમાં નથી. ફક્ત કેટલાક સેસના નામોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
આ બેઠક કેમ આટલી મહત્વપૂર્ણ છે?
જો સપ્ટેમ્બરમાં થનારી આ બેઠકોમાં આ સુધારા પાસ થઈ જાય તો તેની અનેક મોટી અને સકારાત્મક અસર જોવા મળી શકે છે. જ્યારે સામાન સસ્તો થશે તો લોકો દિવાળી, દશેરા જેવા તહેવારો પર વધુ ખરીદી કરી શકશે. જેનાથી બજારમાં રોનક આવશે. ITC ના નિયમ સરળ થવાથી નાના અને મધ્યમ ઉદ્યોગોના હાથમાં વધુ પૈસા રહેશે. જેનાથી તેઓ પોતાનો વેપાર વધારી શકશે. ટેક્સના નિયમ જેટલા સરળ બનશે એટલા જ વધુ લોકો સરળતાથી ટેક્સ ભરશે, જેનાથી સરકારની કમાણી પણ વધશે.
તારણ
પીએમ મોદીના વચન બાદ GST કાઉન્સિલની આ આગામી બેઠક 'GST 2.0' ની શરૂઆત હોઈ શકે છે. 12% સ્લેબને ખતમ કરવો અને વીમાને સસ્તો કરવો જેવા પગલાં ખરેખર ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. લોકોને મોંઘવારીમાંથી રાહત આપશે અને દેશના વેપારી માહોલને પણ વધુ સારો બનાવશે. હવે બધાની નજર સપ્ટેમ્બરમાં થનારી આ મહા બેઠક પર ટકેલી છે. જેના નિર્ણયોથી તહેવારી સીઝનની અસલ રોનક નક્કી થશે.