)
GST Tax Slab: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 56મી બેઠક આજે નવી દિલ્હીમાં શરૂ થઈ છે. આ બે દિવસીય બેઠકમાં GST સ્લેબમાં મોટા ફેરફારો, સિપ્લીફિકેશન ઉપાયો અને આગામી પેઢીના સુધારાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં આજે અને આવતીકાલે તેઓ નક્કી કરશે કે શું સસ્તું થશે અને શું નહીં.
175 વસ્તુઓ પર ઘટાડવામાં આવશે ટેક્સ
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, સરકાર લગભગ 175 વસ્તુઓ પર GSTમાં ઓછામાં ઓછા 10 ટકાનો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. જો કે, કેટલાક સુધારા એવા છે, જેની સામાન્ય માણસ ખાસ અસર કરે છે. હાલમાં 5%, 12%, 18% અને 28% ના ચાર સ્લેબમાંથી ફક્ત બે સ્લેબનો પ્રસ્તાવ છે. આવશ્યક ચીજવસ્તુઓ માટે 5% અને બિન-આવશ્યક ચીજવસ્તુઓ માટે 18%. આ ઉપરાંત તમાકુ અને 50 લાખ રૂપિયા કે તેથી વધુ કિંમતની કાર જેવા કહેવાતા 'સિન વસ્તુઓ' માટે 40% નો વધારાનો સ્લેબ પ્રસ્તાવિત થવાની શક્યતા છે.
પ્રસ્તાવ અનુસાર, 12 ટકાની કેટેગરીમાં આવતી 99 ટકા વસ્તુઓ જેવી કે, માખણ, ફૂટ જ્યૂસ અને ડ્રાયફ્રુટ 5 ટકા ટેક્સ દર હેઠળ આવશે. આ ઉપરાંત ઘી, પીવાનું પાણી (20 લિટર), નમકીન, કેટલાક જૂતા અને કપડાં, દવાઓ અને મેડિકલ ઉપકરણો જેવી મોટાભાગની સામાન્ય રીતે વપરાતી વસ્તુઓને 12 ટકાથી 5 ટકા ટેક્સ સ્લેબમાં લાવવાની શક્યતા છે. પેન્સિલ, સાયકલ, છત્રી અને વાળની પિન જેવી સામાન્ય રીતે વપરાતી વસ્તુઓને પણ 5 ટકાના સ્લેબમાં લાવી શકાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટીવી, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, કારણ કે તેમના પર હાલમાં 28 ટકાની સરખામણીમાં 18 ટકા ટેક્સ લાગી શકે છે. વાહનો પર હાલમાં 28 ટકા GST લાગે છે, પરંતુ હવે તેમના પર અલગ દર લાગુ થઈ શકે છે. એન્ટ્રી-લેવલ કાર પર 18 ટકાનો દર લાગુ થશે. જ્યારે SUV અને લક્ઝરી કાર પર 40 ટકાનો દર લાગુ થશે.
આ કંપનીઓ માટે તકો
લગભગ તમામ ખાદ્ય અને કાપડ ઉત્પાદનો 5% સ્લેબમાં આવશે, જેનાથી હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ગોદરેજ કન્ઝ્યુમર લિમિટેડ અને નેસ્લે ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓ માટે પ્રોત્સાહન ગણી શકાય. રોઇટર્સના રિપોર્ટ મુજબ, GST કાઉન્સિલ 20-40 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર પરનો ટેક્સ વર્તમાન 5%થી વધારીને 18% કરવાનો પણ નિર્ણય લઈ શકે છે. ટેસ્લા ઇન્ક અને BYD કંપની જેવી લક્ઝરી ઇલેક્ટ્રિક કાર પર વધુ ટેક્સ લાદવાનો પ્રસ્તાવ છે.