HDFC bank bonus share: દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપી રહી છે. કંપની તરફથી આ બોનસ ઈશ્યુ માટે 27 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે, જે આગામી સપ્તાહે છે.

નવી દિલ્હીઃ જો તમે પણ બોનસ શેર પર દાવ લગાવવાનું પસંદ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. HDFC બેંક દ્વારા પોતાના શેરધારકોને 1 પર 1 બોનસ શેર આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ માટે 27 ઓગસ્ટની તારીખને રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે. તેવામાં રોકાણકારોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું એચડીએફસી બેંકના શેર પર દાવ લગાવવો યોગ્ય રહેશે કે નહીં.
1 પર એક શેર ફ્રી
એક્સચેન્જને આપેલી જાણકારીમાં બેંકએ જણાવ્યું કે એક પર એક શેર બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈન્વેસ્ટરોની પાત્રતા નક્કી કરવા માટે કંપનીએ 27 ઓગસ્ટની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ દિવસે જે ઈન્વેસ્ટરોના નામ એચડીએફસી બેંકની રેકોર્ડ બુકમાં હશે તેને બોનસ શેરનો લાભ મળશે. મહત્વનું છે કે આ મહિને બેંક દ્વારા પોતાના શેર ધારકોને 5 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.
શું શેરમાં દાવ લગાવવો યોગ્ય?
બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીના ટેક્નિકલ રિસર્ચ સીનિયર મેનેજર ગણેશ ડોંગરે કહે છે કે, એચડીએફસી બેંક શેર ચાર્ટ પેટર્ન પર 1850 રૂપિયાના મહત્વપૂર્ણ સ્તરને ક્રોસ કર્યા બાદ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવનારા શોર્ટ ટર્મમાં આ સ્ટોક 2050થી 2100 રૂપિયાના લેવલ સુધી જઈ શકે છે. પરંતુ 1850 રૂપિયાનો સ્ટોપલોસ બનાવી રાખો.
1 વર્ષમાં 20 ટકાની તેજી
શુક્રવારે માર્કેટ બંધ થયું ત્યારે એચડીએફસી બેંકના શેરનો ભાવ બીએસઈમાં 1.28 ટકાના ઘટાડા બાદ 1964.75 રૂપિયા પર હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 20 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 2036.30 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહનું લો લેવલ 1613.40 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)