20મી સદીની મહાન શોધનાં જનક, લાખો લોકોની જિંદગી બચાવનાર ડો. મહાલનબિસનું નિધન

ડાયરિયાની તાત્કાલિક સારવાર માટે ઉપયોગમાં લેવાતા ORSની શોધ ડોક્ટર મહાલનબિસે કરી હતી. બાંગ્લાદેશ યુદ્ધ સમયે તેમણે ORTનો ઉપયોગ કરીને લાખો લોકોની જિંદગી બચાવી હતી.

20મી સદીની મહાન શોધનાં જનક, લાખો લોકોની જિંદગી બચાવનાર ડો. મહાલનબિસનું નિધન

ઝી બ્યૂરો, અમદાવાદઃ ORSના નામે દુનિયાભરમાં જાણતા ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન વડે લાખો લોકોની જિંદગી બચાવનાર ડોક્ટર દિલીપ મહાલનબીસ આપણી વચ્ચે નથી રહ્યા. 87 વર્ષની વયે ફેફસાની તકલીફ સહિતની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે તેઓ કોલકાતાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન જીવનરક્ષક સોલ્યુશનને વિકસિત કરીને તેમજ તેને ઓરલ રિહાઈડ્રશન થેરાપી તરીકે પ્રચલિત કરવાનો શ્રેય ડોક્ટર દિલીપ મહાલનબિસને જાય છે.

મૂળ પીડિયાટ્રિક હતા ડો. મહાલનબીસ-
12 નવેમ્બર 1934ના રોજ તત્કાલિન બંગાળના કિશોરગંજમાં જન્મેલા મહાલનબિસે 1958માં કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે પીડિયાટ્રીક્સની પ્રેક્ટિસ શરૂ કરી. બે વર્ષ બાદ તેઓ લંડનમાં નેશનલ હેલ્થ સર્વિસ સાથે જોડાયા અને MRCP પૂર્ણ કર્યું. ત્યારબાદ તેઓ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સાથે જોડાયા, કોલેરાની સારવાર માટે જેનું એક સેન્ટર કોલકાતામાં હતું.

ORT વિકસાવી-
ડોક્ટર મહાલનબિસ ભારત પરત ફર્યા અને 1964માં ઓરલ રિહાઈડ્રેશન થેરાપી પર રિસર્ચ શરૂ કર્યું. આ સંશોધન તેઓ કોલકાતાનાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી ઈન્ટરનેશનલ સેન્ટર ફોર મેડિસિન રિસર્ચ એન્ડ ટ્રેનિંગમાં કરતા હતા. ORS મૂળ મીઠું, બેકિંગ સોડા અને ગ્લુકોઝનું મિશ્રણ છે, જેનો ઉપયોગ અતિસાર (ડાયરિયા)ની સારવાર માટે થાય છે.

લાખો શરણાર્થીઓની જિંદગી બચાવી-
1971નાં બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન તે સમયનાં પૂર્વ પાકિસ્તાનમાંથી લાખો લોકોએ શરણાર્થી તરીકે પશ્વિમ બંગાળની રાહત શિબિરોમાં શરણ લીધી. આ દરમિયાન મોટી સંખ્યામાં શરણાર્થીઓ કોલેરામાં સપડાયા. ડોક્ટર મહાલનબિસ આ શરણાર્થીઓ માટે જીવનદાતા બન્યા. તેમણે ORTના ઉપયોગથી કોલેરાથી પીડિત શરણાર્થીઓમાં મૃત્યુદરને 90 ટકા સુધી ઘટાડ્યો. સાથે જ કોલેરાને ફેલાતો પણ રોક્યો.

 

20મી સદીની મહાન શોધ-
ડોક્ટર મહાલનબિસનું સંશોધન જોન્સ હોપકિન્સ મેડિકલ જર્નલ અને લાન્સેટમાં પ્રકાશિત થયા બાદ ORTને દુનિયાભરમાં ORS તરીકેની ઓળખ મળી હતી..ORSને મેડિસિનમાં 20મી સદીની મહાન શોધ તરીકે જાહેર કરાયું હતું. 1994માં તેઓ રોયલ સ્વીડિશ અકેડમી ઓફ સાયન્સીઝનાં વિદેશી સદસ્ય તરીકે ચૂંટાયા હતા. ડોક્ટર મહાલનબિસને 2002માં યુનિવર્સિટી ઓફ કોલંબિયા એન્ડ કોરનેલમાં પોલિન પુરસ્કારથી અને 2006માં થાઈલેન્ડ સરકાર તરફથી તેમને પ્રિન્સ મહિડોલ એવોર્ડથી સમ્માનિત કરાયા હતા. ડોક્ટર મહાલનબિસે કોલકાતાનાં ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાઈલ્ડ હેલ્થને પોતાની એક કરોડ રૂપિયાની બચત દાનમાં આપી હતી. જ્યાંથી તેમણે બાળરોગ નિષ્ણાત તરીકેની પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news