)
નવી દિલ્હીઃ જમાનો ભલે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે. શોપિંગથી લઈને પેમેન્ટ બધુ ઓનલાઈન થવા લાગ્યું છે, પરંતુ આજે પણ ઘણા લોકો ઘરમાં રોકડ રાખે છે અને તેનો ઉપયોગ કરે છે. ઘણીવાર આવકવેરા વિભાગના દરોડાના સમાચાર પણ સામે આવતા રહે છે. તેવામાં મનમાં સવાલ ઉઠવો વ્યાજબી છે કે ઘર પર કાયદાકીય રીતે કેટલા રોકડા રૂપિયા રાખી શકાય. આવો જાણીએ આ વિશે કાયદો શું કહે છે?
શું રોકડ રાખવાની છે કોઈ લિમિટ?
સૌથી પહેલા જરૂરી સવાલ તે છે કે શું ઘરમાં કાયદાકીય રીતે કેશ રાખવાની કોઈ લિમિટ છે? આ સવાલના જવાબમાં તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે ઘર પર કેશ રાખવાની કોઈ લિમિટ નક્કી કરી નથી. ભલે રકમ મોટી હોય કે નાની, કેશ રાખવા ગેરકાયદેસર નથી. શરત બસ એટલી છે કે આવક કાયદેસર રીતે થવી જોઈએ. જો તમે સાબિત કરી શકો કે ઘરમાં રહેલા પૈસા તમારા પગાર, વ્યવસાયિક આવક અથવા કાનૂની વ્યવહારનું પરિણામ છે, તો તમે કોઈપણ રકમ સુરક્ષિત રીતે ઘરમાં રાખી શકો છો. જ્યારે તમે આવકનો સ્ત્રોત સાબિત કરી શકતા નથી ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે.
શું કહે છે આવકવેરાનો નિયમ?
આવકવેરા કાયદાની કલમ 68થી 69B માં રોકડ અને સંપત્તિ સાથે જોડાયેલા નિયમનો ઉલ્લેખ છે.
Section 68: જો તમારી પાસબુક અને કેશબુકમાં કોઈ રકમ નોંધાયેલી હોય, પરંતુ તમે તેનો સ્ત્રોત જણાવી શકતા નથી, તો તેને દાવો ન કરેલી આવક ગણવામાં આવશે.
Section 69: જો તમારી પાસે રોકડ રકમ કે કોઈ રોકાણ હોય, પણ તમે તેનો હિસાબ આપી શકતા ન હો, તો તેને અપ્રગટ આવક ગણવામાં આવશે.
Section 69B:જો તમારી પાસે તમારી જાહેર કરેલી આવક કરતાં વધુ સંપત્તિ અથવા રોકડ હોય પરંતુ તમે તેનો સ્ત્રોત જાહેર ન કરો તો તમે કર અને દંડને પાત્ર બનશો.
આવકનો સોર્સ ન જણાવી શક્યા તો
તપાસ કે દરોડા દરમિયાન જો તમારા ઘરમાંથી મોટી માત્રામાં રોકડ મળે અને જો તમે તેનો હિસાબ ન આપી શકો તો આ રકમ અનડિસ્ક્લોઝ્ડ ઇનકમ કે બિનજાહેર આવક માનવામાં આવશે. આ સ્થિતિમાં
તમારા પર ભારે કર લાગી શકે છે.
જપ્ત કરાયેલ રકમના 78% સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.
જો વિભાગને કરચોરીની શંકા હોય, તો કેસ પણ દાખલ કરી શકાય છે.