)
Small Savings Schemes Interest Rates: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) માટે તમામ સરકારી બચત યોજનાઓના વ્યાજ દરો યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ સતત 7મું ક્વાર્ટર છે જ્યારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકારે છેલ્લે 2023-24 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ 2024) માટે કેટલીક યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. આ સરકારી બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કિસાન વિકાસ પત્ર (KVP), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)નો સમાવેશ થાય છે.
કઈ બચત યોજના પર કેટલું મળી રહ્યું છે વ્યાજ?
સરકારના આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે આ યોજનાઓ પર તમને પહેલા જેટલું જ વ્યાજ મળતું રહેશે. સરકારે લાંબા સમયથી આ બચત યોજનાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ પર 7.4 ટકા, SCSS પર 8.2 ટકા, PPF પર 7.1 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ બચત ખાતા પર 4 ટકા, RD ખાતા પર 6.7 ટકા અને બચત ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે.
નાણા મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું
નાણા મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું કે, "નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટર (1 ઓક્ટોબર, 2025 થી 31 ડિસેમ્બર, 2025) માટે અલગ-અલગ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ 2025-26 (1 જુલાઈ, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025)ના બીજા ક્વાર્ટર માટે સૂચિત દરો પર રહેશે." નોંધનીય છે કે, કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય દર ત્રણ મહિને સરકારી બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં જરૂર મુજબ ફેરફાર કરે છે. આ બચત યોજનાઓમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.