નહીં ઘટે પેટ્રોલની કિંમત કારણ કે...

નવેમ્બર, 2014થી માંડીને જાન્યુઆરી, 2016 વચ્ચે ઉત્પાદન કિંમતમાં નવ વખત વધારો થયો છે

Updated By: Apr 3, 2018, 01:07 AM IST
નહીં ઘટે પેટ્રોલની કિંમત કારણ કે...

નવી દિલ્હી : સરકારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલની કિંમતમાં વધારાથી ગ્રાહકોને રાહત આપવા માટે ઉત્પાદન કિંમતમાં કોઈ પણ પ્રકારના ઘટાડાની સંભાવનાથી ઇન્કાર કર્યો છે.  હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં તેલની કિંમતમાં વધારો થવાના કારણે ડીઝલની કિંમત ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે જ્યારે પેટ્રોલની કિંમત ચાર વર્ષના ઉચ્ચ સ્તરને આંબી ગઈ છે. બીજેપીના વડપણ હેઠળની એનડીએ સરકારે ઇન્ટરનેશનલ માર્કેટમાં તેલની કિંમતો ઘટી હતી ત્યારે પણ રેવન્યુ વધારવા માટે નવેમ્બર, 2014થી માંડીને જાન્યુઆરી, 2016 વચ્ચે ઉત્પાદન કિંમતમાં નવ વખત વધારો કર્યો હતો. જોકે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં એની કિંમતમાં 2 રૂ. પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આ્વ્યો હતો 

શું પેટ્રોલની કિંમતમાં ફરીથી ઘટાડો કરવામાં આવશે એવા સવાલના જવાબમાં નાણાં સચિવ હસમુખ અઢિયાએ કહ્યું છે કે કે હાલમાં તો નહીં પણ જ્યારે અમે આ મામલાની સમીક્ષા કરીશું ત્યારે એની જાણકારી આપી દેવામાં આવશે. હાલમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે તેલની કિંમત પર ઇન્ટરનેશનલ માર્કેટની અસર પડે છે. જેમજેમ ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધે છે તેમતેમ આ વાતની અસર ભારતના માર્કેટ પર પણ પડે છે. વધારે લોકો સુધી એનર્જી પહોંચાડવી હશે તો માર્કેટ મેકેનિઝમ પ્રમાણે ચાલવું પડે છે અને પેટ્રોલ તેમજ ડીઝલ પર પણ આ વાત જ લાગુ પડે છે. ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોના મામલે સરકાર સંવેદનશીલ છે. પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ તેમજ ડીઝલને જીએસટીના ક્ષેત્રમાં લાવવાની તરફેણ કરી છે. આ મામલાને GST કાઉન્સિલ સામે પણ મુકવામાં આવ્યો છે. 

ઇન્ડિયન ઓઇલ તરફથી જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે ઓઇલ કંપની દર લીટર પેટ્રોલ માટે 26.65 રૂ.ની ચુકવણી કરે છે. ડીલરને કંપની આ વેચાણ 30.13 રૂ. પ્રતિ લીટરના ભાવે કરે છે. આના ઉપર ડીલર 3.24 રૂ.નું કમિશન લે છે જેના કારણે કિંમત 33.37 રૂ. પ્રતિ લીટર થઈ જાય છે. હાલમાં પેટ્રોલની કિંમત પર કેન્દ્ર સરકાર તરફથી 19.48 રૂ.ની એક્સાઇઝ ડ્યુટી લાગેલી છે જેના પછી પેટ્રોલની કિંમત 52.85 રૂ. પ્રતિ લીટર થઈ જાય છે. હવે દિલ્હીમાં 26 ટકા વેટ (અંદાજે 14 રૂ.) લાગે છે જેના પછી પેટ્રોલની કિંમત અંદાજે 67 રૂ. થઈ જાય છે. હાલના આંકડા થોડા અલગ હોઈ શકે છે.