)
મુકેશ અંબાણી હવે શેર બજારમાં ડબલ ધમાકો કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં યોજાયેલી કંપનીની એજીએમમાં તેમણે રિલાયન્સ જિયોનો આઈપીઓ લાવવાની જાહેરાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યાં છે કે કંપની વર્ષ 2027મા રિલાયન્સ રિટેલનો ઈશ્યુ લાવવાની તૈયારી કરી રહી છે. ધ બિંદુ બિઝનેસલાઇનના એક રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ રિટેલની વેલ્યુ લિસ્ટિંગના સમયે આશરે 200 અબજ ડોલરની નજીક 16.7 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે.
રિલાયન્સે તેના FMCG યુનિટ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનું રિલાયન્સ રિટેલમાં મર્જર કર્યું છે જેથી કામગીરી વધુ મજબૂત બને. ઉપરાંત, કંપની એવા સ્ટોર્સને બંધ કરીને તેના વ્યવસાયને સુધારવાનો પ્રયાસ કરી રહી છે જે સારું પ્રદર્શન કરી રહ્યા નથી. આ IPO સિંગાપોરના GIC, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, KKR, TPG અને સિલ્વર લેક જેવા મોટા રોકાણકારોને તેમના નાણાં ઉપાડવાની તક આપશે. રિલાયન્સ રિટેલ રિલાયન્સ સ્માર્ટ, ફ્રેશપિક, રિલાયન્સ ડિજિટલ, JioMart, રિલાયન્સ ટ્રેન્ડ્સ, 7-Eleven અને રિલાયન્સ જ્વેલ્સ જેવી તેની બ્રાન્ડ્સને જાળવી રાખશે. કેટલાક ફોર્મેટને એકસાથે મર્જ કરવાની પણ ચર્ચા છે, પરંતુ તે હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે.
જિયોનો અપકમિંગ આઈપીઓ
જિયોની વાત કરીએ તો તેનો આઈપીઓ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ થઈ શકે છે, જેની વેલ્યુ 13.5 લાખ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. ગોલ્ડમેન સૈક્સે જિયોની વેલ્યુ 154 અબજ ડોલર, જેફરીઝે 146 અબજ ડોલર, મૈક્કેરીએ 123 અબજ ડોલર અને એમકેએ 121 અબજ ડોલર આંકી છે. લિસ્ટિંગ બાદ જિયોની વેલ્યુ 134-146 અબજ ડોલર (11.2-12.19 લાખ કરોડ રૂપિયા) વચ્ચે હોઈ શકે છે, જેનાથી તે ભારતની ટોપ-5 લિસ્ટેડ કંપનીઓમાં સામેલ થઈ જશે.
રિલાયન્સના શેરની સ્થિતિ
ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. આ ક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ રેલી જોવા મળી હતી. રિલાયન્સના શેર આશરે 0.46 ટકાની તેજીની સાથે 1405.80 રૂપિયા પર બંધ થયા. તો છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 13 ટકાથી વધુની તેજી જોવા મળી છે.