)
મોંઘવારીથી ત્રસ્ત જનતાને તહેવારોની સિઝનમાં થોડી રાહત મળી હતી, પરંતુ આ રાહત હવે ભારે પડવાની છે. હજુ દોઢ મહિનો નથી થયો જ્યારે સરકારે જીએસટીના રેટમાં ઘટાડો કરી રસોઈની જરૂરી વસ્તુના ભાવ ઘટાડ્યા હતા, પરંતુ કંપનીઓએ હવે રાહત છીનવવાનું શરૂ કરી દીધું છે. સૌથી મોટો ઝટકો ડેરી ઉત્પાદકમાં આવ્યો છે.
કર્ણાટકની સૌથી મોટી અને વિશ્વાસપાત્ર ડેરી બ્રાન્ડ નંદિની (Nandini Ghee) એ પોતાની ઘીની કિંમતોમાં જબરદસ્ત વધારો કર્યો છે. ચિંતાની વાત છે કે જીએસટી ઘટાડા બાદ જેટલો ઘટાડો થયો હતો, તેનાથી ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયે તે લાખો ગ્રાહકોને નિરાશ કર્યાં છે, જે તહેવારની સિઝનમાં મળેલી રાહતથી ખુશ હતા. કંપનીએ આ ભાવ વધારા પાછળ વધતા ખર્ચનો હવાલો આવ્યો છે.
'રાહતથી આહત' 30 ઘટ્યા, 90 વધ્યા
સામાન્ય માણસને રાહત આપવા માટે GST કાઉન્સિલે 22 સપ્ટેમ્બર, 2025 થી નવા ઘટાડેલા GST દરો લાગુ કર્યા. આની અસર નંદિની ઘી પર પણ પડી. GST ઘટાડા પહેલા, નંદિની ઘીનો ભાવ ₹640 પ્રતિ લિટર હતો. જ્યારે નવા દરો અમલમાં આવ્યા, ત્યારે ગ્રાહકોને સીધો ₹30 નો ફાયદો થયો, જેના કારણે કિંમત ઘટીને ₹610 પ્રતિ લિટર થઈ ગઈ. તહેવારોની મોસમ દરમિયાન આ એક નોંધપાત્ર રાહત હતી.
પરંતુ આ ખુશી થોડા સમય માટે રહી. હવે, કંપનીએ પ્રતિ લિટર ₹90 નો જંગી ભાવ વધારો જાહેર કર્યો છે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોએ હવે ગઈકાલ સુધી ₹610 માં મળતા 1 લિટરના પેકેટ ઘી માટે ₹700 ચૂકવવા પડશે. ગણતરી કરીએ તો, GST બચત ₹30 હતી, પરંતુ હવે તેમના પાકીટમાં વધારાના ₹90 ઉમેરવામાં આવ્યા છે, જે બચતના બરાબર ત્રણ ગણી છે.
કંપનીએ કેમ લીધો આ નિર્ણય
આ નિર્ણય કર્ણાટક દુગ્ધ મહાસંઘ (KMF) એ લીધો છે, જે નંદિની બ્રાન્ડનું સંચાલન કરે છે. મહાસંઘના અધિકારીઓએ આ ભાવ વધારાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.
અધિકારીઓ પ્રમાણે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ખર્ચને કારણે લેવો પડ્યો છે. તેમનું કહેવું છે કે વૈશ્વિક સ્તર પર ઘીની માંગ વધી રહી છે, જેનાથી કિંમતો આસમાને પહોંચી રહી છે. ફેડરેશનનો દાવો છે કે વૈશ્વિક બજારના વલણો સાથે તાલમેલ રાખવા અને તેની આર્થિક સધ્ધરતા જાળવવા માટે આ વધારો જરૂરી હતો. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે ભાવ વધારા છતાં, નંદિની ઘીના ભાવ હજુ પણ બજારમાં સૌથી નીચા ભાવમાં છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે ભાવ વધારા છતાં, નંદિની ઘીના ભાવ હજુ પણ બજારમાં સૌથી નીચા ભાવમાં છે.
બજારમાં અન્ય મુખ્ય બ્રાન્ડ્સની સ્થિતિ શું છે?
જ્યારે કોઈ મોટી કંપની ભાવમાં વધારો કરે છે, ત્યારે બજારના અન્ય ખેલાડીઓ શું કરી રહ્યા છે તે જોવું મહત્વપૂર્ણ બની જાય છે.
અમૂલ: GST ઘટાડા પછી અમૂલ ઘી પણ ₹610 પ્રતિ લિટર થયું, જ્યારે અગાઉ તે ₹650 ની આસપાસ હતું.
સારસ: ઓક્ટોબરમાં જ સરસ ઘીનો ભાવ ₹30 નો વધારો થયો, ત્યારબાદ તે ₹581 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
પતંજલિ: પતંજલિનું નિયમિત ઘી છૂટક બજારમાં ₹650 થી ₹700 પ્રતિ લિટરની વચ્ચે ઉપલબ્ધ છે.
મધર ડેરી: મધર ડેરી ઘી ₹641 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.