)
New GST Slabs: GST સ્ટ્રક્ચરમાં થયેલા ઐતિહાસિક બદલાવ લાગુ થયા પછી ઘણી રોજિંદા વસ્તુઓ સસ્તી થઈ જશે. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મોટાભાગની કંપનીઓ આનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે તૈયાર છે. જ્યારે પેટ્રોલ-ડીઝલને લઈ ઘણા લોકોના મનમાં શંકા છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
શું કહ્યું નાણામંત્રીએ?
નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે, પેટ્રોલિયમ ઉત્પાદનો અને આલ્કોહોલ નજીકના ભવિષ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરાની બહાર રહેશે. એક ઈન્ટરવ્યૂમાં, નાણામંત્રીએ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં પેટ્રોલિયમ અથવા આલ્કોહોલને GSTના દાયરામાં લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. આનો અર્થ એ છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલા જેવા જ રહેશે. તેમાં બદલાવ તેલ કંપનીઓ અથવા સરકાર તેમના હિસાબે કરશે.
સામાન્ય લોકોને રાહત આપવા માટે નાણામંત્રીએ શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે પીટીઆઈ-ભાષાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, અમે દરમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને આપવા માટે ઉદ્યોગો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને 22 સપ્ટેમ્બર (GST દરોમાં ઘટાડાને લાગુ કરવાની તારીખ)થી અમારું સંપૂર્ણ ધ્યાન લોકોને લાભ મળે તે સુનિશ્ચિત કરવા પર રહેશે.
શું છે ફેરફાર?
કેન્દ્ર અને રાજ્યોના નાણામંત્રીઓનો સમાવેશ કરતી GST કાઉન્સિલે બુધવારે GST સ્લેબ ચારથી ઘટાડીને બે કરવાનો નિર્ણય લીધો. હવે ટેક્સના સ્લેબ 5 અને 18 ટકા રહેશે, જ્યારે લક્ઝરી વસ્તુઓ અને સિગારેટ જેવી હાનિકારક વસ્તુઓ પર 40 ટકાનો ખાસ સ્લેબ લાગુ થશે. સિગારેટ, તમાકુ અને અન્ય સંબંધિત વસ્તુઓ સિવાય નવા ટેક્સ સ્લેબ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. સ્લેબને તર્કસંગત બનાવવાના ભાગ રૂપે ટેલિવિઝન અને એર કન્ડીશનર જેવી ગ્રાહક ચીજવસ્તુઓ, તેમજ ખાદ્યપદાર્થો અને રોજિંદા જીવનની વસ્તુઓ પર સ્લેબ ઘટાડવામાં આવ્યા છે.