)
New Labour Law 2025: ગત 21 નવેમ્બરથી નવા લેબર કાયદાઓ લાગુ થઈ ચૂક્યા છે. આ લેબલ કાયદામાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, હવે વેતનની એકસમાન વ્યાખ્યા લાગુ થશે. આ કાયદા અનુસાર, કર્મચારીના બેઝિક પગાર,મોંઘવારી ભથ્થું (DA) અને રીટેનિંગ એલાઉન્સ મળીને કુલ CTCના ઓછામાં ઓછા 50% થવા ફરજિયાત છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી કંપનીઓ જાણી જોઈને મૂળ પગાર ઓછો રાખીને PF (પ્રોવિડન્ટ ફંડ) અને ગ્રેચ્યુઇટીમાં પોતાનું યોગદાન ઓછું ન કરી શકે. જો કે, આનાથી કર્મચારીની ઇન-હેન્ડ સેલેરી (હાથમાં આવતો પગાર) ઘટી જશે.
શું કહે છે નિષ્ણાતો?
ઈટીના અહેવાલ અનુસાર, ખેતાન એન્ડ કંપનીના વિનય જોયે જણાવ્યું છે કે, નવા ફ્રેમવર્કમાં PF, ગ્રેચ્યુઇટી અને સામાજિક સુરક્ષા યોગદાન ત્રણેયની ગણતરી એકસમાન વેતન આધાર પર થશે. જો કોઈ કર્મચારીના ભથ્થાં (Allowances) 50%થી વધુ છે, તો વધારાનો હિસ્સો વેતનમાં જોડીને PF અને ગ્રેચ્યુઇટીની ગણતરી કરવામાં આવશે.
ડેલોઈટના દિવ્યા બવેજા કહે છે કે, વેતનની વ્યાખ્યા હવે ખૂબ જ વિસ્તૃત છે અને તેમાં મોટા ભાગના ભથ્થાં સામેલ ગણાશે. જો કે, અકોર્ડ જ્યુરિસના અલાય રઝવીનું કહેવું છે કે, આનો અર્થ એવો નથી કે કંપનીઓએ સીધો મૂળ પગાર વધારવો જ પડશે, પરંતુ PF-ગ્રેચ્યુઇટીની ગણતરી એક નવા વેતન આધાર પર થશે. એટલે કે, કુલ CTC તો તે જ રહેશે, પરંતુ પગારના આંતરિક ભાગોનું પુનર્ગઠન થશે.
શું 'ટેક-હોમ સેલેરી' ઘટી શકે છે?
સાયરિલ અમરચંદ મંગલદાસના સૌમ્યા કુમાર કહે છે કે, હવે તમામ સામાજિક સુરક્ષા યોજનાઓની ગણતરી એક જ વેતન આધાર પર થશે. તેથી કંપનીઓએ પોતાના CTC સ્ટ્રક્ચરને એવી રીતે બદલવું પડશે કે ઓછામાં ઓછું 50% વેતન PF કપાતના દાયરામાં આવે. આનાથી કર્મચારીઓને ઇન-હેન્ડ સેલેરી (હાથમાં આવતો પગાર) ઘટી શકે છે. ખાસ કરીને એવી જગ્યાઓ પર જ્યાં PF ફક્ત ઓછા મૂળ પગાર પર કપાતો હતો. ડેલોઈટના બવેજા અનુસાર, 15,000 રૂપિયાથી ઓછું કમાતા કર્મચારીઓની ટેક-હોમ સેલેરી પર PF વધવાની અસર થશે, જ્યારે આનાથી ઉપરના લોકો પર અસર PF સ્કીમના નવા નિયમો પર નિર્ભર રહેશે.
કયા CTC પર શું અસર પડશે?
- 7 લાખ રૂપિયાના CTC ધરાવતા કર્મચારીનો બેઝિક સેલેરી 2.8 લાખ રૂપિયાથી વધીને 3.5 લાખ રૂપિયા થશે. તેના કારણે PF યોગદાન 33,600 રૂપિયાથી વધીને 42,000 રૂપિયા થશે અને ગ્રેચ્યુઇટી 13,468 રૂપિયાથી વધીને 16,835 રૂપિયા થશે. એકંદરે ટેક-હોમ પગાર 6,52,932 રૂપિયાથી ઘટીને 6,41,165 રૂપિયા થશે.
- 10 લાખ રૂપિયાના CTC માટે બેઝિક સેલેરી 4 લાખ રૂપિયા (40%) યથાવત રહે છે, જ્યારે સુધારેલા નિયમોમાં ગ્રેચ્યુઇટી વેતન 7.17 લાખ રૂપિયા ગણવામાં આવશે. આનાથી ગ્રેચ્યુઇટી 19,240 રૂપિયાથી વધીને 34,510 રૂપિયા સુધી પહોંચશે અનુમાન છે. પરિણામે ટેક-હોમ સેલેરી 8,84,760 રૂપિયાથી ઘટીને 8,69,490 રૂપિયા રહી જશે. લાંબા ગાળે આની નોંધપાત્ર અસર જોવા મળશે. 7 વર્ષ પછી કુલ ગ્રેચ્યુઇટી 1.35 લાખ રૂપિયાથી વધીને આશરે 2.41 લાખ રૂપિયા થઈ શકે છે.
- 15 લાખ રૂપિયાના CTC ધરાવતા કર્મચારીની બેઝિક સેલેરી 6 લાખ રૂપિયાથી વધીને 7.5 લાખ રૂપિયા થઈ જશે. PF યોગદાન 72,000 રૂપિયાથી વધીને 90,000 રૂપિયા અને ગ્રેચ્યુઇટી 28,860 રૂપિયાથી વધીને 36,075 રૂપિયા થવાનો અંદાજ છે. પરિણામે ટેક-હોમ સેલેરી 12,78,642 રૂપિયાથી ઘટીને 12,65,227 રૂપિયા રહી જશે.