)
નવી દિલ્હીઃ દર મહિનાની 1 તારીખે મહત્વના ફેરફાર થાય છે. તો હવે 1 ઓક્ટોબર 2025થી દેશભરમાં ઘણા ફેરફાર લાગૂ થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. સૌથી મહત્વનો ફેરફાર નેશનલ પેન્શ સિસ્ટમ સાથે જોડાયેલો છે, જ્યાં હવે ઈન્વેસ્ટર એક પાન નંબરથી ઘણી યોજનાઓમાં રોકાણ કરી શકશે. આ સિવાય ઓનલાઈન ગેમિંગથી લઈને ઈપીએફ સુધી ફેરફાર આવતા મહિને થવાના છે. અમે તમને આગામી મહિને થનારા 7 મોટા ફેરફારની જાણકારી આપીશું.
1- ઓનલાઈન ગેમિંગ
1ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગની દુનિયામાં પણ મોટો ફેરફાર થવાનો છે. નવા નિયમો લાગુ કરતા પહેલા સરકારે ગેમિંગ કંપનીઓ, બેંકો અને અન્ય હિસ્સેદારો સાથે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કાયદાને મંજૂરી આપી દીધી છે. આ નિયમોનો ઉદ્દેશ ઓનલાઈન ગેમિંગને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા, ખેલાડીઓને છેતરપિંડીથી બચાવવા અને કંપનીઓ પર કડક દેખરેખ રાખવાનો છે.
2-ટ્રેન ટિકિટ બુકિંગ
1 ઓક્ટોબર, 2025 થી, ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ બુકિંગની પ્રથમ ૧૫ મિનિટ ફક્ત એવા મુસાફરો માટે જ ઉપલબ્ધ રહેશે જેમના IRCTC એકાઉન્ટ આધાર સાથે જોડાયેલા છે અને સંપૂર્ણપણે પ્રમાણિત છે. તત્કાલ ટિકિટ બુકિંગના અનુકરણમાં બનાવેલ આ નિયમ, બ્રોકર્સ અને એજન્ટોની મનસ્વીતાને રોકશે.
3-UPI માં ફેરફાર
1 ઓક્ટોબર 2025થી યુપીઆઈ (UPI) યુઝર્સ માટે એક મોટો ફેરફાર થઈ શકે છે. હવે તમે PhonePe, GPay કે અન્ય પેમેન્ટ એપ પર તમારા મિત્રો કે સંબંધી કે કોઈ અન્ય વ્યક્તિ સાથે સીધા પૈસા માંગી શકશો નહીં. હકીકતમાં યુપીઆઈનુ કલેક્ટ રિક્વેસ્ટ કે પુલ ટ્રાન્ઝેક્શન ફીચર બંધ કરવામાં આવી રહ્યું છે. આ તે સુવિધા છે, જેના દ્વારા તમે કોઈ અન્યને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી પૈસા માંગી શકો છો. એનપીસીઆઈએ આ પગલું ઓનલાઈન છેતરપિંડી અને ફિશિંગથી બચાવ માટે ઉઠાવ્યું છે, જેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહે છે.
4- EPFO ભેટ
સરકાર ઓક્ટોબરમાં PF ખાતાધારકોને મોટી ભેટ આપી શકે છે. 10-11 ઓક્ટોબરે યોજાનારી એક મહત્વપૂર્ણ બેઠકમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેમાં ગ્રાહકોને ATM દ્વારા તેમના PF ખાતામાંથી સીધા પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. આ બેઠકમાં લઘુત્તમ પેન્શન ₹1000 થી વધારીને ₹1500-₹2500 કરવાની પણ ચર્ચા થઈ શકે છે. વધુમાં, EPFO ઓક્ટોબરમાં તેની નવી ડિજિટલ સેવા, "EPFO 3.0" શરૂ કરી શકે છે.
5- LPG ભાવ
દર મહિનાની જેમ, 1 ઓક્ટોબર, 2025 ના રોજ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની ધારણા છે. ગયા મહિને, તે ₹1631.50 થી ઘટીને ₹1580 થઈ ગયા. જોકે, GST દરોમાં તાજેતરમાં ઘટાડા છતાં, ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે.
6- એનપીએસમાં થશે ફેરફાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં એક મોટો સુધારો રજૂ કર્યો છે, જેનો અમલ 1 ઓક્ટોબર, 2025 થી થશે. મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક તરીકે ઓળખાતો આ સુધારો હવે બિન-સરકારી ક્ષેત્રના કર્મચારીઓ, કોર્પોરેટ પ્રોફેશનલ્સ અને ગિગ વર્કર્સને એક જ PAN નંબરનો ઉપયોગ કરીને બહુવિધ યોજનાઓમાં રોકાણ કરવાની મંજૂરી આપશે. આનાથી રોકાણકારો તેમના નિવૃત્તિ આયોજનને મજબૂત અને સુરક્ષિત બનાવી શકશે.
7- એક પાનથી રોકાણ કરી શકશો
પીએફઆરડીએએ એક નવા મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક (MSF) હેઠળ એક જ પાન નંબરથી ઘણી સ્કીમમાં રોકાણ કરી શકાશે. પહેલા માત્ર એક જ સ્કીમમાં રોકાણની મંજૂરી હતી, પરંતુ હવે ઈન્વેસ્ટર પોતાની સુવિધા અને જોખમ ક્ષમતા પ્રમાણે વિકલ્પ પસંદ કરી શકશો. જો કોઈ સુરક્ષિત રોકાણ ઈચ્છે છે તો બેલેન્સ્ડ કે ડેટ સ્કીમ પસંદ કરી શકે છે, તો વધુ રિટર્નની ઈચ્છા ધરાવતા ઈન્વેસ્ટર 100 ટકા ઈક્વિટી આધારિત યોજનાઓમાં પૈસા લગાવી શકશે. (નોટઃ આ સમાચાર સામાન્ય માહિતીના આધારે લખવામાં આવ્યા છે)