ધમકી પર ધમકી! શાળાઓ બાદ હવે રિઝર્વ બેંકને ઉડાવી દેવાની ઘમકી, રશિયન ભાષામાં મળ્યો મેસેજ
શુક્રવારે ભારતીય રિઝર્વ બેંકને બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતો એક ઈમેઈલ મળ્યો જેની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આ મેઈલ બેંકની અધિકૃત વેબસાઈટ પર રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો.
દેશમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના મામલા સતત સામે આવી રહ્યા છે. દિલ્હીમાં અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી તો હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પણ ટાર્ગેટ કરાઈ છે. શુક્રવારે ભારતીય રિઝર્વ બેંકને બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતો એક ઈમેઈલ મળ્યો જેની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આ મેઈલ બેંકની અધિકૃત વેબસાઈટ પર રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો. આ મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ માટુંગા રામાબાઈ માર્ગ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે.
રશિયન ભાષામાં ધમકીભર્યો મેઈલ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસના ઝોન 1ના ડીસીપીએ જણાવ્યું કે આરબીઆઈની અધિકૃત વેબસાઈટ પર રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. ઈમેઈલમાં બેંકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે અને તપાસ ચાલુ છે.
શાળાઓને પણ મળી છે ધમકી
આજે દિલ્હીની 6 જેટલી શાળાઓને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હોવાનો મામલો પણ સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ધમકીઓ બાદ શાળા પરિસરોમાં અનેક એજન્સીઓએ સર્ચ અભિયાન ચલાવ્યું છે. આ અગાઉ 9 ડિસેમ્બરના રોજ પણ દિલ્હીની 44 જેટલી શાળાઓને આ પ્રકારના ઈમેઈલ મળ્યા હતા. જેને પોલીસે પછી ફેક ગણાવ્યા હતા.