)
UPI Cash Withdrawal : દેશમાં દરેક જગ્યાએ UPIનો ઉપયોગ થાય છે. જેમકે પૈસા મોકલવા, બિલ ચૂકવવા અને ઓનલાઈન ખરીદી માટે થાય છે. હવે તેનો ઉપયોગ રોકડ ઉપાડ માટે પણ થઈ શકે છે. એવું જાણવા મળ્યું છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) હવે QR કોડ સ્કેન કરીને રોકડ ઉપાડવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે લાખો બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BCs), જેમ કે કરિયાણાની દુકાનદારો અથવા નાના સર્વિસ પોઈન્ટ્સ, QR કોડ આપશે. ગ્રાહકો તેમના મોબાઇલમાં કોઈપણ UPI એપમાંથી કોડ સ્કેન કરીને રોકડ ઉપાડી શકશે.
જાણો સંપૂર્ણ વિગત
મીડિયા અહેવાલ મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ RBI પાસેથી પરવાનગી માંગી છે કે UPI દ્વારા રોકડ ઉપાડની સુવિધા બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BCs)ને પણ પૂરી પાડી શકાય. અહેવાલ મુજબ, NPCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સુવિધા હજુ પણ આયોજનના તબક્કામાં છે અને તેના પર હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે આજની તારીખે UPIમાંથી કાર્ડલેસ રોકડ ઉપાડ ફક્ત તે ATM અથવા કેટલાક પસંદગીના દુકાનદારો પાસેથી જ શક્ય છે. ત્યાં પણ એક મર્યાદા છે. ઉદાહરણ તરીકે, શહેરો અને નગરોમાં દરેક વ્યવહાર પર ફક્ત 1,000 સુધીની રોકડ મેળવી શકાય છે. ગ્રામીણ વિસ્તારોમાં, આ મર્યાદા 2,000 સુધીની છે. હવે આ સુવિધાને દેશભરના 20 લાખથી વધુ બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BC) સુધી વિસ્તારવાની યોજના બનાવવામાં આવી રહી છે.
BC કોણ છે ?
આ નાના કેન્દ્રો અથવા લોકો છે જે ઘણીવાર દૂરના અથવા બેંકિંગ વગરના વિસ્તારોમાં રહે છે અને બેંક શાખાઓના વિસ્તરણ તરીકે કામ કરે છે. એટલે કે તેઓ લોકોને બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે NPCIએ પોતે 2016માં UPI બનાવ્યું અને લોન્ચ કર્યું હતું.
તે કેવી રીતે કાર્ય કરશે ?
સરકાર અને બેંકિંગ ક્ષેત્ર UPI દ્વારા રોકડ ઉપાડને સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. જ્યારે કોઈ ગ્રાહક BC આઉટલેટની મુલાકાત લેશે, ત્યારે તે UPI દ્વારા QR કોડ સ્કેન કરશે. ગ્રાહકના ખાતામાંથી જેટલી રકમ ડેબિટ થશે. એટલી જ રકમ BCના ખાતામાં જમા થશે. ત્યારબાદ BC ગ્રાહકને રોકડ આપશે.
હાલમાં, ગ્રાહકો BC સાથે ઉપલબ્ધ માઇક્રો-ATM મશીનોમાં તેમના ATM કાર્ડ દાખલ કરીને પૈસા ઉપાડી શકે છે. પરંતુ આ પદ્ધતિનો ભાગ્યે જ ઉપયોગ થાય છે.