)
NPS To UPS Switch: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ સંબંધિત એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. હવે NPS (નેશનલ પેન્શન સ્કીમ) અને UPS (યુનિફાઇડ પેન્શન સ્કીમ)માં રોકાણ કરનારા કર્મચારીઓને તેમના રૂપિયાના રોકાણ પર પહેલાં કરતાં ઘણું વધારે કંટ્રોલ મળશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રોકાણ વિકલ્પોની સંખ્યા 4થી વધારીને 6 કરી છે, જેનાથી સબસ્ક્રાઇબર્સ તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે વધુ સારી પસંદગી કરી શકશે. અત્યાર સુધી મોટાભાગના સરકારી કર્મચારીઓ 'ડિફોલ્ટ સ્કીમ'માં જ રહેતા હતા અને માત્ર લગભગ 4%એ જ અલગ વિકલ્પ પસંદ કર્યો હતો.
શું છે વિગત?
ડિફોલ્ટ સ્કીમમાં કર્મચારીઓનું યોગદાન પહેલાંથી નક્કી કરાયેલા એસેટ એલોકેશન પેટર્ન અનુસાર ત્રણ પેન્શન ફંડ્સ દ્વારા સંચાલિત થાય છે. પરંતુ નાણાં મંત્રાલયની નવી અધિસૂચના પછી PFRDAએ બે નવા ઓટો-ચોઇસ વિકલ્પો ઉમેર્યા છે. આ વિકલ્પો એવા કર્મચારીઓ માટે છે જે લાંબા ગાળે વધુ રિટર્ન મેળવવા માટે વધારે ઇક્વિટી જોખમ લેવા તૈયાર છે. હવે સરકારી કર્મચારીઓ પાસે કુલ છ વિકલ્પો છે.
ડિફોલ્ટ સ્કીમ
100% G-Sec (સરકારી સિક્યોરિટીઝ) ધરાવતો એક્ટિવ ચોઇસ ચાર અલગ-અલગ લાઇફ સાઇકલ મોડેલ જેમાં ઉંમર વધવાની સાથે ઇક્વિટીનો હિસ્સો ધીમે ધીમે ઓછો થતો જાય છે.
શું છે ખાસ?
નવા વિકલ્પોમાં સૌથી ખાસ છે ઓટો ચોઇસ LC 75 (હાઇ રિસ્ક) અને LC એગ્રેસિવ, જેને ખાસ કરીને યુવા કર્મચારીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. LC 75 મોડેલમાં 35 વર્ષની ઉંમર સુધી 75% સુધીનું રોકાણ ઇક્વિટીમાં થઈ શકે છે, જે 55 વર્ષની ઉંમર સુધી ઘટીને 15% થઈ જશે. જ્યારે LC એગ્રેસિવ મોડેલમાં 45 વર્ષની ઉંમર સુધી 50% ઇક્વિટી અને 55 વર્ષ સુધી પણ 35% સુધીનું ઇક્વિટી એક્સપોઝર જાળવી રાખવામાં આવે છે. આ વિકલ્પોનો ઉદ્દેશ્ય એ છે કે, કર્મચારીઓ લાંબા ગાળે માર્કેટ ગ્રોથનો લાભ લઈને મોટું રિટાયરમેન્ટ કોર્પસ તૈયાર કરી શકે.
નોન-ડિફોલ્ટ વિકલ્પોમાંથી એક પસંદ કરવો પડશે
જે કર્મચારીઓ ડિફોલ્ટ સ્કીમમાંથી બહાર આવવા માંગે છે, તેમને ઉપલબ્ધ પાંચ નોન-ડિફોલ્ટ વિકલ્પોમાંથી એક પસંદ કરવો પડશે અને PFRDAના 10 પેન્શન ફંડ મેનેજર્સમાંથી એકની પસંદગી કરવી પડશે. PFRDAએ તમામ સબસ્ક્રાઇબર્સને સલાહ આપી છે કે, તેઓ સમયાંતરે સ્કીમના પ્રદર્શનની સમીક્ષા કરે અને સમજદારીપૂર્વક પસંદગી કરે.
આ સ્કીમોનો અપડેટે રિટર્ન ડેટા NPS ટ્રસ્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સારી વાત એ છે કે, નવા વિકલ્પો CRA પ્લેટફોર્મ પર એક્ટિવ થઈ ગયા છે, એટલે કે સરકારી કર્મચારીઓ તેને તરત જ પસંદ કરીને પોતાની રોકાણ પ્રોફાઇલ બદલી શકે છે.