)
Larry Ellison Networth: ઓરેકલ કોર્પના ક્વાર્ટરના પરિણામ બાદ કંપનીના શેરમાં જોરદાર તેજીએ સહ-સંસ્થાપક લેરી એલિસનને વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચાડી દીધા છે. પ્રથમવાર તેમણે એલન મસ્કને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિનિયર્સના ઈન્ડેક્સ પ્રમાણે અમેરિકા સમયાનુસાર બુધવારે સવારે લેરી એલિસનની સંપત્તિ વધી 393 અબજ ડોલર થઈ ગઈ, જ્યારે એલન મસ્કની સંપત્તિ 385 અબજ ડોલર રહી.
એક દિવસમાં 101 અબજ ડોલરનો વધારો
ઓરેકલના શેરમાં રેકોર્ડ વધારાને કારણે લેરી એલિસનની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં લગભગ 101 અબજ ડોલરનો અણધાર્યો વધારો થયો છે. 81 વર્ષીય લેરી એલિસન હજુ પણ ઓરેકલના ચેરમેન અને ચીફ ટેક્નોલોજી ઓફિસર છે. તેમની મોટાભાગની સંપત્તિ સોફ્ટવેર ઉદ્યોગમાં રોકાણ કરવામાં આવી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ઓરેકલના શેરમાં 45% નો વધારો થયો છે. ફક્ત બુધવારે જ કંપનીના શેરમાં 41% નો જંગી ઉછાળો જોવા મળ્યો, જે 1992 947 અબજ ડોલર થયું.
ક્લાઉડ બિઝનેસ પર ફોકસ
નિષ્ણાંતો અનુસાર ઓરેલકના શેરમાં આ તેજી કંપનીનું ક્લાઉડ ફોકસ પર સંપૂર્ણ ફોકસનું પરિણામ છે, જેણે રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. ઉલ્લેખનીય છે કે મસ્ક પ્રથમવાર વર્ષ 2021મા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા અને લાંબા સમય સુધી તેમણે પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો.
ઘણા પ્રસંગો એવા હતા જ્યારે એમેઝોનના જેફ બેઝોસ અને LVMHના બર્નાર્ડ આર્નોલ્ટે તેમને પાછળ ધકેલી દીધા, પરંતુ ઉતાર-ચઢાવ છતાં, મસ્ક ટોચના સ્થાને પાછા ફરતા રહ્યા. છેલ્લા એક વર્ષથી, તેઓ સતત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, પરંતુ હવે લેરી એલિસને તેમને પાછળ છોડી દીધા છે.
કોણ છે લેરી એલિસન?
અમેરિકી ઉદ્યોગપતિ લેરી એલિસનનું આખુ નામ લોરેન્સ જોસેફ એલિસન છે. તેમમે ઓરેકલ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. શિકાગો યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનાર એલિસને પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. વર્ષ 1977મા તેમણે બોબ માઇનર અને એડ ઓટ્સની સાથે મળી સોફ્ટવેર ડેવલોપમેન્ટ લેબોરેટ્રીઝ (Software Development Laboratories) ની સ્થાપના કરી, જે બાદમાં દુનિયાની દિગ્ગજ ટેક કંપની ઓરેકલ કોર્પોરેશન બની ગઈ.