)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફરે ડીપાર્ટમેન્ટ (DoPPW) એ જણાવ્યું છે કે ફેમિલી પેન્શન માટે ફેમિલી લિસ્ટમાંથી દીકરીનું નામ દૂર કરવામાં આવશે નહીં. વિભાગે આ સ્પષ્ટતા એવા સમયે જારી કરી છે જ્યારે નિવૃત્તિ પછી કર્મચારીઓની ફેમિલી લિસ્ટમાંથી દીકરીના નામ દૂર કરવા અંગે ફરિયાદો મળી છે.
DoPPW નિર્દેશ શું જણાવે છે ?
DoPPWના કાર્યાલયના મેમોરેન્ડમમાં જણાવાયું છે કે દરેક સરકારી કર્મચારી અથવા પેન્શનર માટે તેમના પરિવારના તમામ સભ્યોની વિગતો પૂરી પાડવી ફરજિયાત છે પછી ભલે તેઓ ફેમિલી પેન્શન માટે લાયક હોય કે ન હોય. વિભાગે સ્પષ્ટતા કરી, "એકવાર સરકારી કર્મચારી પુત્રીનું નામ નિર્ધારિત પ્રોફોર્મામાં પરિવારના સભ્ય તરીકે જણાવે છે, ત્યારે તેને પરિવારના સભ્ય ગણવામાં આવશે.
તેથી પુત્રીનું નામ પરિવારના સભ્યની વિગતોમાંથી દૂર કરવામાં આવશે નહીં. ફેમિલી પેન્શન માટેની પાત્રતા નિયમો અનુસાર પેન્શનર અથવા ફેમિલી પેન્શનરનું મૃત્યુ પછી નક્કી કરવામાં આવશે." આનો અર્થ એ છે કે દીકરીનું નામ યાદીમાં રહેશે, ભલે તે સમયે ફેમિલી પેન્શન માટે લાયક ન હોય. પેન્શનરનાં મૃત્યુ પછી જ પાત્રતા તપાસવામાં આવશે.
આ નિયમ કઈ જોગવાઈ હેઠળ આવે છે ?
આ જોગવાઈ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 2021ના નિયમ 50(15) હેઠળ આવે છે. આ નિયમ મુજબ, કોઈ વ્યક્તિ સરકારી સેવામાં પ્રવેશતાની સાથે જ તેણે તેના પરિવારના બધા સભ્યો - જેમ કે જીવનસાથી, બાળકો, માતાપિતા અને અપંગ ભાઈ-બહેનની વિગતો આપવી જરૂરી છે કે તેઓ ફેમિલી પેન્શન માટે પાત્ર છે કે નહીં.
ફેમિલી પેન્શન દાવાઓ સંબંધિત ખાસ જોગવાઈઓ
જો મૃતક સરકારી કર્મચારીના પરિવારના સભ્યનું નામ ફોર્મ 4માં અથવા ઓફિસ રેકોર્ડમાં ઉપલબ્ધ ન હોય, તો તે સભ્યનો પેન્શન દાવો નકારવામાં આવશે નહીં, જો ઓફિસ ખાતરી કરે કે સભ્ય નિયમો અનુસાર પાત્ર છે.
કોણ પાત્ર નથી ?
DoPPWએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ એવા સરકારી કર્મચારીઓને લાગુ પડતો નથી જેઓ અગાઉની સિવિલ અથવા લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા છે અને ફરીથી કાર્યરત છે અને જેમના માટે આ નવી સેવા હેઠળ કોઈ નવું પેન્શન અથવા ગ્રેચ્યુઇટી ચૂકવવાપાત્ર નથી.