બદલાઈ ગયા તમામ બેંકોના ATM સાથે જોડાયેલા નિયમ, જાણવા છે જરૂરી
એટીએમ વિશે સરકાર તરફથી નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે
નવી દિલ્હી : સરકારે તમામ બેંકોના એટીએમને લગતા નિયમોમાં બદલાવ કર્યો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આદેશમાં અનેક જુના નિયમોને બદલી નાખવામાં આવ્યા છે. આ બદલાવ કેશ વાન અને એમાં તહેનાત સ્ટાફની સુરક્ષા માટે કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં કેશ વાનમાંથી કેશની લૂંટની ઘટનાઓ સામે આવતા આ બદલાવ કરવામાં આવ્યો છે.
એટીએમ વિશેના નિયમો જાહેર કરતા સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં રાતના 9 વાગ્યા પછી એટીએમમાં કેશ નહીં ભરવામાં આવે. આ સિવાય સુરક્ષાના કારણોસર નિર્ણય લેવામાં આવ્યો છે કે એક કેશ વાનની સિંગલ ટ્રિપમાં 5 કરોડ રૂ.થી વધારે પૈસા નહીં ભરી શકાય. આ સાથે જ કેશ વાન પર તહેનાત કર્મીઓને કોઈપણ પ્રકારના હુમલા કે ખતરાથી બચવા માટે પ્રશિક્ષણ આપવામાં આવશે.
એટીએમ અને કેશ વાન સાથે જોડાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેશ ટ્રાન્સપોર્ટેશન સાતે જોડાયેલા તમામ કર્મચારીઓના બેકગ્રાઉન્ડ ચેકિંગ માટે તેમનું આધાર વેરિફિકેશન કરાવવું જરૂરી છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પણ સુરક્ષાના કારણોસર સાંજના 6 વાગ્યા પછી કોઈપણ એટીએમમાં કેશ નહીં ભરાઈ શકે. આ સિવાય એક ATMમાં લોડ કરવા માટે કેશ પહેલાના દિવસે કે પછી દિવસની શરૂઆતમાં બેંક પાસેથી કલેક્ટ કરવામાં આવશે જેથી નિશ્ચિત સમયસીમા પહેલાં કેશ લોડ કરી શકાય. આ સિવાય કેશ વાનમાં સુરક્ષાના કારણોસર જીએસએમ આધારિત ઓટો ડાયલર સાથે સિક્યુરિટી એલાર્મ અને મોટરાઇઝ્ડ સાયરન લગાવવામાં આવશે. કેશ વાનમાં હવે સીસીટીવી, લાઇવ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સુરક્ષાકર્મી તહેનાત રહેશે.