)
Ahmdabad News: ગુજરાતમાં સ્વિગી (Swiggy), ઝોમેટો (Zomato), ઈન્સ્ટામાર્ટ (Instamart), રેપિડો (Rapido), ઉબર (Uber), ઓલા (Ola) જેવી કંપનીઓ અને તેમની સાથે જોડાયેલા હજારો કામદારો-ડ્રાઇવરો માટે ટૂંક સમયમાં નવા નિયમો ઘડાઈ શકે છે. ભારત સરકાર દ્વારા 'ગીગ વર્કફોર્સ' (Gig Workforce) માટે નવો કાયદો અને ડ્રાફ્ટ નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જેના આધારે ગુજરાત સરકાર પણ નિયમો ઘડીને આ ક્ષેત્રને કાયદાકીય માળખામાં લાવશે.
કોણ છે 'ગીગ વર્કફોર્સ'?
કેબ ડ્રાઇવિંગ, ફૂડ ડિલિવરી, ફ્રીલાન્સ તથા પાર્ટ-ટાઇમ કામ આપતી સંસ્થાઓ સાથે જોડાયેલા ડ્રાઇવરો, ડિલિવરીમેન અને કામદારોનો સમાવેશ 'ગીગ વર્કફોર્સ'ની વ્યાખ્યામાં થાય છે. આ કાયદો મુખ્યત્વે ઉબર, ઓલા, રેપિડો તેમજ ફૂડ પ્રોવાઇડર્સ જેવા કે ઈન્સ્ટામાર્ટ, ઝોમેટો, સ્વિગી, ઝેપટો (Zepto) તથા તેમની સાથે જોડાયેલા તમામ ડિલિવરીમેન્સને લાગુ પડશે.
નોંધણી ફરજિયાત અને લાભોની જોગવાઈ
નિયમો નિશ્ચિત થયા બાદ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ (એગ્રીગેટર્સ) અને તેની સાથે જોડાયેલા તમામ ગીગ કામદારોએ નોંધણી કરાવવી ફરજિયાત બનશે. આ નોંધણીને આધાર કાર્ડ સાથે સાંકળીને તમામ નોંધણીધારકોને એક યુનિક કાર્ડ પણ આપવામાં આવશે. રાજ્ય સરકારની તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં પણ આ ગીગ ફોર્સ અને તેના નિયમો અંગે મંથન થયું છે, જે દર્શાવે છે કે સરકાર આ મુદ્દે ગંભીર છે.
સામાજિક સુરક્ષા ફંડમાંથી મળશે લાભ
નવા નિયમો ઘડાયા પછી આ ક્ષેત્ર માટે સામાજિક સુરક્ષા ફંડ ઊભું કરવામાં આવશે. આ ફંડમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર ફાળો આપશે. સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ (એગ્રીગેટર્સ) પાસેથી સરકાર મહત્તમ પાંચ ટકા સુધીનો ફાળો વસૂલશે. આ ફંડમાંથી ગીગ વર્કર્સને નીચે મુજબના લાભોમાં આવરી લેવાશે. જેમાં અકસ્માત વીમો અને જીવન વીમો, વિકલાંગતા ક્વરેજ, આરોગ્ય અને માતૃત્ત્વ સંબંધિત લાભો, પેન્શન સ્કીમ અને પ્રોવિડન્ટ ફંડ અને સ્કિલ અપગ્રેડેશનની તક.
ભવિષ્યમાં લઘુતમ દૈનિક વેતનનું માળખું
સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભવિષ્યમાં આવા ગીગ વર્કર્સ માટે લઘુતમ દૈનિક વેતનનું માળખું પણ નિશ્ચિત થઈ શકે છે. ઉપરાંત, આ કંપનીઓને કામદારોના કૌશલ્ય (સ્કિલ) અપગ્રેડેશન માટે તાલીમ આપવાની ફરજ પણ પાડવામાં આવશે, જેનાથી કામદારોની આવક અને કામ કરવાની ગુણવત્તામાં સુધારો થશે.
ગુજરાતમાં નોંધણી ધીમી
ભારત સરકારે શ્રમ મંત્રાલયના પોર્ટલ 'ઈ-શ્રમ' પર છેલ્લા છ મહિનાથી ગીગ વર્કર્સનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે, પરંતુ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં માત્ર 25 હજાર જેટલા કામદારોની જ નોંધણી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજી સુધી કાયદાના નિયમો ઘડાયા ન હોવાથી કામદારો રજિસ્ટ્રેશનથી અજાણ છે. નિયમો ઘડાઈ જશે તે પછી આ ક્ષેત્ર સાથે જોડાયેલા હજારો લોકો મોટાપાયે નોંધણી કરાવશે.
ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં જ, ગીગ વર્કફોર્સ માટેનું આ નવું કાયદાકીય માળખું તેમને સામાજિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા પૂરી પાડશે, જેનાથી આ ક્ષેત્રના લાખો કામદારોના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવશે.