Nirma Washing Powder: ભારે પડી ગઈ એક ભૂલ! 'સબ કી પસંદ નિરમા...' સ્પર્ધામાંથી ફેંકાઈ કેવી રીતે ગયું?

90ના દાયકામાં નિરમા વોશિંગ પાઉડરની જાહેરાતે ખુબ ધૂમ મચાવી હતી. માત્ર જાહેરાત જ નહીં પરંતુ આ પાઉડરે પણ બજારમાં સારી એવી છાપ છોડી હતી. તો પછી અચાનક એવું તે શું થયું કે પડકાર ઝેલવામાં પાછા પડી ગયા?

Nirma Washing Powder: ભારે પડી ગઈ એક ભૂલ! 'સબ કી પસંદ નિરમા...' સ્પર્ધામાંથી ફેંકાઈ કેવી રીતે ગયું?

90ના દાયકામાં એક જાહેરાત ખુબ જ લોકપ્રિય થઈ હતી જે હતી આપણા જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલની બ્રાન્ડ નિરમા વોશિંગ પાઉડરની. સબકી પસંદ નિરમા....વોશિંગ પાઉડર નિરમા.....આ લાઈનો લોકોને મોઢે ચડી ગઈ હતી. જ્યાં જુઓ ત્યાં નિરમા વોશિંગ પાઉડરની રમઝટ હતી. પરંતુ પછી તો સમય એવો બદલાયો કે હવે લોકો જાણે નિરમા વોશિંગ પાઉડરને ભૂલી ગયા છે અને ટાઈડ, સર્ફ, એરિયલ જેવા નામ સાંભળવા મળી રહ્યા છે. આખરે એવું તે શું થયું કે એક લોકપ્રિય વોશિંગ પાઉડર બ્રાન્ડ અચાનક આ રીતે અંધારામાં ખોવાઈ ગઈ? એક સમય એવો હતો જ્યારે નિરમા અને તેની જાહેરાત બંનેનો ડંકો વાગતો હતો. ધીરે ધીરે આ ચમક ગાયબ કેવી રીતે થઈ ગઈ. 

નિરમા કેવી રીતે બની મોટી બ્રાન્ડ
વોશિંગ પાઉડર નિરમાને કરશનભાઈ પટેલે એક મોટી બ્રાન્ડ બનાવી દીધો હતો. એક સમયે સાઈકલ પર સામાન વેચતા કરશનભાઈએ પોતાની મહેનતથી 17000 કરોડ રૂપિયાનો વેપાર ખડો કરી દીદો. કરશનભાઈએ પુત્રીના નામ પર જ ડિટરજન્ટ પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. તેમની ઈચ્છા હતી કે તેમની આ નાનકડી પુત્રી એક દિવસ દુનિયામાં નામના મેળવે પરંતુ તેમની પુત્રી નિરૂપમાએ અચાનક એક અકસ્માતમાં દુનિયાને અલવિદા કરી દીધી. પુત્રીના મોતથી કરશનભાઈ તૂટી ગયા હતા. જો કે તેમણે હિંમત ન હારી અને પોતાની સ્વર્ગવાસી પુત્રીના નામથી જ ડિટરજન્ટ પાઉડર બનાવવાનો શરૂ કર્યો. 

નવી નવી સ્ટ્રેટેજી અપનાવી
કરશનભાઈ પટેલે નિરમા વોશિંગ પાઉડર વેચવાનો શરૂ કર્યો પરંતુ મોટો પડકાર એ હતો કે બજારમાં પહેલેથી જ મોટી મોટી કંપનીઓ હાજર હતી તો આ પડકાર કેવી રીતે પાર પાડવો. પછી તેમણે નવી નવી સ્ટ્રેટેજી અપનાવવાની શરૂ કરી. એક ખાસ તરકીબ લગાવતા તેમણે દરેક પેકેટ પર લખવાનું શરૂ કર્યું કે કપડાં સાફ ન થાય તો પૈસા પાછા. 

કરશનભાઈનો આ આઈડિયા કામ કરી ગયો અને લોકોએ તેમના પ્રોડક્ટ ખરીદવાનું શરૂ કર્યું. જ્યારે કરશનભાઈનો કારોબાર પ્રગતિ કરવા લાગ્યો તો ત્યારબાદ તેમણે પોતાની સરકારી નોકરી  છોડીને બધુ ધ્યાન તેમાં પરોવ્યું. 

1969માં કરશનભાઈએ શરૂ કરેલ નિરમા તેના સસ્તા ભાવ અને પ્રભાવી માર્કેટિંગના દમ પર 1990ના દાયકા સુધી ડિટરજન્ટના બજારમાં ટોપ ખેલાડી બની ગયું. તે વખતે બજારમાં તેની ભાગીદારી 60 ટકા સુધી પહોંચી ગઈ હતી. જો કે કરશનભાઈ અને નિરમા પાઉડર માટે ખરો પડકાર તો 90ના દાયકા બાદ શરૂ થયો. જ્યારે સર્ફ એક્સેલ, ટાઈડ અને અન્ય બ્રાન્ડ્સે નવા ફોર્મ્યૂલેશન સાથે બજારમાં એન્ટ્રી કરવા માડી. બીજી બાજુ નિરમા આ મોટા ખેલાડીઓની આક્રમક રણનીતિ અને ઈનોવેશનનો મુકાબલો કરી શક્યું નહીં. 

ધીરે ધીરે નિરમા પાઉડરની લોકપ્રિયતા ઘટતી ગઈ. એક સમય એવો આવ્યો કે બજારમાં 60 ટકા ભાગીદારી ધરાવતા નિરમાના 2000નો દાયકો આવ્યા બાદ પતન થવા લાગ્યું અને બજારમાં ભાગીદારી 6 ટકા આસપાસ રહી ગઈ. 

ક્યાં થઈ ભૂલ
2005 આવતા સુધીમાં નિરમા એક બ્રાન્ડ કંપની બની ગઈ હતી અને શેર બજારમાં લિસ્ટેડ પણ થઈ હતી. કંપનીએ વોશિંગ પાઉડર  ફિલ્ડમાં વધતી સ્પર્ધા જોતા અન્ય ક્ષેત્રોમાં પણ રોકાણ શરૂ કરી દીધુ. સીમેન્ટ કંપની બનાવી, નિરમા યુનિવર્સિટી અને કેમિકલ કારોબાર પણ શરૂ કર્યો. તેનાથી પરંપરાગત પ્રોડક્ટ વોશિંગ પાઉડર પરથી ધ્યાન હટવા લાગ્યું. કદાચ પ્રોડક્ટમાં ઈનોવેશન ન હોવાના કારણે તે માર્કેટમાં આવતી નવી નવી પ્રોડક્ટનો સામનો કરી શક્યું નહી. 

મીડિયા રિપોર્ટ મુજબ કરશનભાઈની કંપનીથી એક ભૂલ જાહેરાતમાં પણ થઈ. કંપનીએ નવા પ્રયોગ તરીકે મહિલાઓની જગ્યાએ પુરુષો પાસે કપડાં ધોવડાવવાના શરૂ કરી દીધા. આ માટે કંપનીએ ઋતિક રોશનને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યો હતો. બસ આ જાહેરાત મહિલાઓને કદાચ કનેક્ટ કરી શકી નહીં અને નિરમા પાઉડરને હરિફાઈમાં ટકવામાં મુશ્કેલી પડી. એક સમયે હેમા માલિની સહિત બોલીવુડની ચાર જાણીતી અભિનેત્રીઓ નિરમાની એડ કરતા હતા. જો કે કંપની તરીકે નિરમા આજે પણ મૂલ્યવાન બ્રાન્ડ છે તેમાં કોઈ બેમત નથી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news