)
હાલ સોનાના ભાવમાં બંપર તેજી જોવા મળી રહી છે. સોનાની કિંમત ગમે ત્યારે ગમે તે પળે લાખ રૂપિયા સુધી પહોંચી જાય તેવી સ્થિતિ છે. આ બધા વચ્ચે સામાન્ય માણસોને એક મૂંઝારો થઈ રહ્યો છે. કે સોનું ખરીદવા જઈએ તો જેટલા પૈસા ચૂકવીએ છીએ તેને વેચીએ તો તફાવત ઘણો જોવા મળે છે તો આવું કેમ?
સોનાની ખરીદી અને વેચાણમાં આવો તફાવત કેમ?
હાલ જો બજારમાં સોનાનો ભાવ જોઈએ તો 10 ગ્રામ 24 કેરેટ સોનું 98,000 રૂપિયાની આસપાસ તમને જોવા મળે. પરંતુ જ્યારે તમે 24 કેરેટ સોનાની લગડી વેચવા જાઓ તો સામાન્ય લોકોને તેના 93,000 રૂપિયા સુધી મળે છે. આવું કેમ બને છે. સોનાની લે અને વેચમાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે.
વાત જાણે એમ બને છે કે જ્યારે સામાન્ય લોકો બજારમાં સોનું ખરીદવા કે વેચાણ કરવા માટે જાય છે તો વેપારીઓ પૂછે છે કે તમારે શું કરવું છે. જો ખરીદવાનું હોય તો જે ભાવ બજારમાં ચાલતો હોય એ જ કહેતા હોય છે પરંતુ જો તમે વેચવાનું કહો તો ઓછા કહે છે. લોકો મૂંઝાઈ રહ્યા છે કે આખરે આવું કેમ.
સોનાની લે વેચના ભાવોમાં તફાવત કેમ?
સેમ ટુ સેમ 24 કેરેટ સોનાની લે વેચના ભાવોમાં તફાવત પાછળ વેપારીઓનું કહેવું છે કે સોનાનો ભાવ સ્થિર ન રહેતો હોવાથી આ પ્રકારની સ્થિતિ પેદા થઈ છે. ભાવ સ્થિર ન રહેવાથી જ્વેલર્સ દ્વારા ઓછા ભાવે ખરીદી કરવામાં આવે છે. રોકડ અને ચેકથી સોનાની ખરીદીના ભાવમા ફરક હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાનો ભાવ સ્થિર રહેતો નહીં હોવાના લીધે આવી સ્થિતિ ઊભી થઈ. સોનું બજાર ભાવે ખરીદી લેવામાં આવ્યા બાદ ભાવ ઘટાડો થાય તો નુકસાન થવાની શક્યતા રહેલી હોય છે. સોનાના દાગીનાની ઓછી ખરીદી પણ મહત્વનું પરિબળ છે. વેપારીના જણાવ્યાં મુજબ બજારમાં પળે પળે ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહે છે આથી ભાવોમાં ફેરફાર થઈ રહ્યા છે.
(ઈનપુટ- ચેતન પટેલ, સુરત)