Tariff Refund Process: આ રિફંડ સીધું ભારતીય નિકાસકારોના બેન્ક ખાતામાં નહીં આવે. નિયમ અનુસાર, રિફંડનો ક્લેમ માત્ર અમેરિકાના આયાતકારો (Importers) જ કરી શકે છે. આ માટે ભારતીય નિકાસકારોએ (Exporters) તેમના અમેરિકાના ખરીદદારો સાથે ફંડ શેરિંગ અંગે વાતચીત કરવી પડશે.

Tariff Refund Process: અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને મોટો ઝટકો આપતા ગત મહિને ટેરિફ રદ કર્યા હતા. સાથે જ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે, અત્યાર સુધી ટેરિફ તરીકે જે ટેક્સ વસૂલવામાં આવ્યો છે, તેને પણ પરત કરવામાં આવે.
રિફંડ પ્રક્રિયા અને સમયમર્યાદા
સુપ્રીમ કોર્ટના આદેશ પર રિફંડની પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને અંદાજ છે કે, કુલ 166 અબજ ડોલર રિફંડ કરવામાં આવશે. આ અંતર્ગત હવે અમેરિકાની સરકારે તે આયાતકારો માટે ક્લેમ કરવાની પ્રક્રિયા ખોલી દીધી છે, જેમણે ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ' (IEEPA) હેઠળ ટેરિફ ચૂકવ્યો હતો. અંદાજે 3,30,000 અમેરિકાના વ્યવસાયોએ 5.3 કરોડથી વધુ શિપમેન્ટ પર આ શુલ્ક ચૂકવ્યો હતો, જે હવે રિફંડ માટે પાત્ર છે.
પરંતુ રિફંડની પ્રક્રિયા ઓટોમેટિક નથી. કંપનીઓએ આ માટે અરજી કરવી પડશે. એવી અપેક્ષા છે કે, મંજૂરી મળ્યા પછી 60થી 90 દિવસની અંદર (મેથી જુલાઈ 2026 વચ્ચે) ચુકવણી મળવાનું શરૂ થઈ જશે. ખાસ વાત એ છે કે, રિફંડ સીધું અમેરિકાના નાગરિકો કે ગ્રાહકોને નહીં મળે. આ રૂપિયા માત્ર તે આયાતકારો અને કંપનીઓને જ પાછા આપવામાં આવી રહ્યા છે જેમણે મૂળ રૂપે સરકારને આ શુલ્ક ચૂકવ્યો હતો.
નિષ્ણાતોનું માનવું છે કે, કંપનીઓને અબજો ડોલર પાછા મળી રહ્યા હોવા છતાં, સામાન્ય ગ્રાહકોને તેનો તાત્કાલિક લાભ મળવાની શક્યતા ઓછી છે.
ભારતને કેટલું મળી શકે છે રિફંડ?
જો ભારતની વાત કરીએ તો એવો અંદાજ છે કે, ભારતીય નિકાસકારોને રિફંડ તરીકે અંદાજે 10થી 12 અબજ ડોલર સુધીનો ફાયદો થઈ શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના રિપોર્ટ અનુસાર, અમેરિકાની કોર્ટ દ્વારા ટેરિફ ઓર્ડર રદ થયા બાદ અમેરિકામાં 166 અબજ ડોલરના ટેરિફ રિફંડનો માર્ગ મોકળો થયો છે.
જો કે, આ રિફંડ સીધું ભારતીય નિકાસકારોના બેન્ક ખાતામાં આવશે નહીં. નિયમ અનુસાર, રિફંડનો ક્લેમ માત્ર અમેરિકાના આયાતકારો જ કરી શકે છે. ભારતીય નિકાસકારોએ આ રિફંડ મેળવવા માટે તેમના અમેરિકાના ખરીદદારો સાથે તે વેપાર અંગે વાતચીત કરવી પડશે. જ્યારે બન્ને પક્ષો વચ્ચે રિબેટ શેરિંગ પર સહમતી સધાશે, ત્યારે જ ભારતીય નિકાસકારના ખાતામાં રૂપિયા આવી શકશે. ખાસ કરીને ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સ અને કેમિકલ સેક્ટરને આનો લાભ મળવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ઘણી કંપનીઓએ ગયા વર્ષે ટેરિફના કારણે ભારે નુકસાન વેઠ્યું છે. તેઓ આ રિફંડનો ઉપયોગ તેમની નાણાકીય સ્થિતિ સુધારવા અને જૂની ખોટ ભરપાઈ કરવા માટે કરશે. જો કે, એક તરફ જૂનું રિફંડ મળી રહ્યું છે, તો બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્રે નવા નિયમો હેઠળ લગભગ તમામ આયાત પર 10% ટેરિફ લગાવી દીધો છે. આ નવા ખર્ચ જૂના રિફંડથી થનારા ફાયદાને અસર કરી શકે છે.