)
Toll Tax: ટોલ ટેક્સ કલેક્શન માટે હાલમાં જ વાર્ષિક પાસ જાહેર કરવામાં આવ્યો છે. 3000 રૂપિયાના વાર્ષિક પાસ જાહેર થવાના છે. સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવવા લાગ્યા જેનાથી દેશના કરોડો બાઇક સવારોનું ટેન્શન વધી ગયું. સમાચાર આવ્યા કે, 15 જુલાઈથી હાઇવે પરથી પસાર થતા ટુ વ્હીલર વાહનોએ પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સમાચાર વાયરલ થવા લાગ્યા કે NHAI એ 15 જુલાઈથી ટુ-વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો છે. ટોલ ન ભરનારાઓ પર 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
શું ખરેખર ટુ વ્હીલર્સને ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ટુ વ્હીલર્સ પર ટોલ લાદવાના અહેવાલોને નકારી કાઢ્યા અને કહ્યું કે, આવો કોઈ નિર્ણય પ્રસ્તાવિત નથી. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, કેટલાક મીડિયા હાઉસ ટુ વ્હીલર્સ પર ટોલ ટેક્સ લાદવા અંગે ભ્રામક સમાચાર ફેલાવી રહ્યા છે. આવો કોઈ નિર્ણય પ્રસ્તાવિત નથી. ટુ વ્હીલર્સ માટે ટોલ પર સંપૂર્ણ મુક્તિ ચાલુ રહેશે. સત્ય જાણ્યા વિના ભ્રામક સમાચાર ફેલાવીને સનસની મચાવવી એ સ્વસ્થ પત્રકારત્વની નિશાની નથી. હું તેની નિંદા કરું છું.
મોટરસાયકલ અને સ્કૂટર પર નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ટુ-વ્હીલર્સને પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના તમામ ટોલ પર ટેક્સ ચૂકવવો પડશે અને આ નિયમ 15 જુલાઈથી અમલમાં આવશે. ટોલ ચૂકવવા માટે ટુ-વ્હીલર્સને પણ કારની જેમ ફાસ્ટેગ લેવો પડશે અને આ નિયમનું ઉલ્લંઘન કરનાર વાહનને 2,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. હવે કેન્દ્રીય મંત્રીએ પોતે આ સમાચારનું ખંડન કર્યું છે.
વાર્ષિક ફાસ્ટેગની જાહેરાત
આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 18 જૂને વાર્ષિક ફાસ્ટેગની જાહેરાત કરી હતી. ખાનગી વાહન ચાલકો પર ટોલનો બોજ ઘટાડવા માટે સરકારે આ જાહેરાત કરી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એક ઐતિહાસિક પહેલ તરીકે 15 ઓગસ્ટ 2025થી 3,000 રૂપિયાનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરવામાં આવી રહ્યો છે. આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા 200 ટ્રિપ સુધી જે પણ વહેલું હોય તે માટે માન્ય રહેશે.
આ વાર્ષિક પાસ ખાનગી વાહન ચાલકોને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ આપશે અને તેઓ કોઈપણ અવરોધ વિના સરળતાથી મુસાફરી કરી શકશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, આ વાર્ષિક પાસ ખાસ કરીને ફક્ત બિન-વાણિજ્યિક ખાનગી વાહનો (કાર, જીપ, વાન વગેરે) માટે બનાવવામાં આવ્યો છે અને તે દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સરળ મુસાફરી શક્ય બનાવશે. વાર્ષિક પાસ રિન્યુ કરવા માટે હાઇવે ટ્રાવેલ એપ અને NHAI/MoRTH વેબસાઇટ્સ પર ટૂંક સમયમાં એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે પ્રક્રિયાને સરળ અને સુગમ બનાવશે.