ડિયર જિંદગી : જબ કોઈ બાત બિગડ જાએ...

મિત્રો અને પરિવારની છાયામાં પરત ફરો અને તેમની પાસે દિલની લાગણી વ્યક્ત કરો. વાત ગમે તેટલી બગડેલી કેમ ન હોય પણ એને સંભાળી શકાય છે. આ વાત તમારા દિલ, દિમાગ અને દિવાલ પર સ્પષ્ટ રીતે લખી લો.

Updated By: Aug 20, 2018, 11:22 AM IST
ડિયર જિંદગી : જબ કોઈ બાત બિગડ જાએ...

તેનો કોઈ મિત્ર નહોતો. જો કોઈ મિત્ર હોત તો એ આવું પગલું પણ ક્યારેય ન ભરી શકત પણ તેણે તો ન્યૂ યોર્ક જઈને મિત્રો સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું હતું. તેણે પોતાની આસપાસ એવી દુનિયા રચી લીધી હતી જેમાં બીજાનો પ્રવેશ તો વર્જિત હતો પણ તેનું પણ બીજા તરફ જવાનું બંધ થઈ ગયું હતું. 

અમેરિકાની એક લોકપ્રિય કંપનીમાં કામ કરનાર પોતાના એક સિનિયર સાથીની આત્મહત્યા વિશે વાત કરતા કેફે કોફી ડેમાં તેમણે મને આ વાત કહી હતી.

આ વાત કહેનાર હતા ભારતની એક મોટી આઇટી કંપનીના સિનિયર મેનેજર ગૌરવ કુમાર સિંહ. ‘ડિયર જિંદગી’ના નિયમિત વાચક ગૌરવે જણાવ્યું કે તેમનો એ મિત્ર બીજા મિત્રોની સરખામણીમાં બહુ ઝડપથી પ્રોફેશનલ પ્રગતિ સાધી રહ્યો હતો. તેણે અમેરિકામાં એક માતબર નોકરી ઝડપથી મેળવી લીધી હતી જેના કારણે બીજા માટે આ ઇર્ષાનો મુદ્દો બની ગયો હતો. 

તેમની કામ કરવાની સ્ટાઇલ એવી હતી કે એમાં બીજા માટે કરૂણા, પ્રેમ, સ્નેહ અને આત્મીયતા માટે કોઈ જગ્યા નહોતી. તેણે એ માની લીધું હતું કે પ્રગતિના રસ્તામાં મિત્રતા તેમજ બીજા સાથે સમસ્યાની ચર્ચા કરવાથી અવરોધ ઉભો થાય છે. હકીકતમાં તેણે અંદરથી નક્કી કરી લીધું હતું કે તે સર્વશ્રેષ્ઠ છે અને તેનાથી સારું કોઈ નથી. તેણે પોતાની આસપાસ એવી દિવાલ ચણી લીધી હતી જેમાં દરવાજો તો દૂરની વાત છે પણ ‘બારી’ની પણ જગ્યા નહોતી. 

ડિયર જિંદગી: અધૂરા સપનાની કહાની...

અચાનક તેના જીવનમાં એવો વળાંક આવ્યો કે તેની ભારતીય મૂળની પત્નીએ તેને ક્રુર, અસહનશીલ અને સ્વાર્થી તેમજ ગણતરીબાજ ગણાવીને ડિવોર્સની નોટિસ મોકલી દીધી. તેણે આ ડિવોર્સની જાહેરાત સોશિયલ મીડિયા પર પણ કરી દીધી. પત્નીની આ જાહેરાતને કારણે પતિને ભારે આઘાત લાગ્યો હતો. 

અમેરિકન સમાજમાં ડિવોર્સ કોઈ મોટી વાત નથી પણ ગૌરવના મિત્રનો એક પગ અમેરિકામાં હતો તો બીજો ભારતમાં. તેના પ્રેમ વિવાહ હતા, ઘરવાળાઓની મરજી વિરૂદ્ધ કરેલા. ગૌરવના મિત્રની પત્નીએ તો આ લગ્ન માટે ભારતમાં ઇન્ફોસિસ જેવી કંપનીમાં જામેલી નોકરી છોડી દીધી હતી. અમેરિકા જઈને પણ તેણે નોકરી કરવાના પ્રયાસ નહોતા કર્યા કારણ કે ઘર ચલાવવા માટે એક વ્યક્તિની નોકરી જ પૂરતી હતી. 

આપણે આ વાતની વિગતવાર ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે ભારતમાં મોટીમોટી કંપનીઓના ઓફિસર, સિનિયર અને સીઇઓ જેવા લોકો આત્મહત્યા તરફ આગળ વધી રહ્યા છે. કેમ? તેમની પાસે તો એવી તમામ વસ્તુઓ છે જે ન હોવાના કારણે મનમાં નેગેટિવ વિચાર આવતા હોય છે. 

તો આખરે લોકોથી ઘેરાયેલા હોય એવા હજારો લોકોની ટીમના લીડર આખરે એકલવાયાપણા, ઉદાસી અને નિરાશાના રસ્તા પરથી કેવી રીતે આત્મહત્યા તરફ આગળ વધી જાય છે. 

ડિયર જિંદગી: આત્મીયતાની ગલી સાંકડી થઈ રહી છે...

આ વિશે વિગતે જાણવા માટે હું છેલ્લા બે મહિનામાં લગભગ 10 સીઇઓને મળ્યો. વીસ એવા લોકો સાથે સંવાદ સાધ્યો જે કંપનીમાં ટોચની પોઝિશન પર છે. આ પછી જે વાત સામે આવી એ આ પ્રકારે છે...

ટોચ પર પહોંચતા જ લોકો વિચારવા લાગે છે કે તેમનામાં કંઇક એવું છે જે બીજામાં નથી. તે પોતાના પદને કંઈક વધારે જ ગંભીરતાથી લેવા લાગે છે. હકીકતમાં તેમણે કામને ગંભીરતાથી લેવું જોઈએ, પોતાની જાતને નહીં. 

લીડર બનતા જ અને ટોચ પર પહોંચતા જ હસવાનું અને સ્માઇલ આપવાનું બંધ થઈ જાય છે. ચહેરા પર પ્લાસ્ટિનું હોય એવું નકલી સ્માઇલ આવી જાય છે. આવા લોકો જીવનને પાછળ છોડીને કરિયરને જ જિંદગી સમજવા લાગે છે. દોસ્તી, યારી બંધ. 

આવા લોકો ખાસ કરીને ભારતમાં લિડર કોઈનો મિત્ર નથી હોતો. ટોચ પર બેસનારોનો કોઈ મિત્ર નથી હોતો અને પહાડની ટોચ પર કોઈ એક માટે જ જગ્યા હોય છે જેવા અર્થવિહીન સુત્રોમાં ફસાઈ જાય છે. આવી રીતે વિચારોનો કચરો ભેગો થઈ જાય છે. આવા લોકો પાસે તેમને દુખ અને સમસ્યામાંથી બહાર કાઢી શકે એવી ‘શોક એબ્ઝોર્બર’ જેવી મિત્રોની ટીમ નથી હોતી. 

આ સ્થિતિમાં તેમણે જો પોતાના પાખંડ કે ખોટી પસંદગીના કારણે ઉભા થયેલા સંકટનો સામનો કરવો પડે તો બહારથી ભારે શક્તિશાળી દેખાતા હોવા છતાં તેઓ ફુલની પાંખડીની જેમ વિખેરાઈ જાય છે. 

ડિયર જિંદગી : જિંદગીને નિર્ણયના ‘તડકા’માં ખિલવા દો

આનું કારણ સ્પષ્ટ છે. ટોચ પર બેઠેલા લોકો સંબંધને જાળવવા માટે તેમજ આત્મીયતાના મૂળને મજબૂત બનાવી રાખવા માટે કંઈ કરવા નથી માગતા. તેઓ ભુલી જાય છે કે બ્રહ્માંડમાં તેમની હેસિયત એટલી જ છે જેટલી સમુદ્રમાં એક મોજાની. તેઓ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવવાના બદલે સમુદ્રની ચિંતામાં દુબળા પડતા જાય છે. 

સૌથી મોટી બીમારી અને ઉદાસીનું કારણ પોતાની જાતને વધારે પડતી ગંભીરતાથી લેવાની આદત છે. ગંભીર અને પડકારજનક કામ કરવાનો અર્થ એ નથી કે તમારું દિલ એક ઇંચના સ્માઇલ માટે તરસી જાય. 

આ માટે જ મિત્રો અને પરિવારની છાયામાં પરત ફરો અને તેમની પાસે દિલની લાગણી વ્યક્ત કરો. વાત ગમે તેટલી બગડેલી કેમ ન હોય પણ એને સંભાળી શકાય છે. આ વાત તમારા દિલ, દિમાગ અને દિવાલ પર સ્પષ્ટ રીતે લખી લો.

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

ઈમેઈલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  

ડિયર ઝિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(https://twitter.com/dayashankarmi)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :

https://www.facebook.com/dayashankar.mishra.54)