સત્યા-રંગીલા જેવી ફિલ્મોના અભિનેતા નીરજ વોરાનું નિધન, લાંબા સમયથી માંદા હતાં

ગત વર્ષ ઓક્ટોબરમાં તેમને હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. 

સત્યા-રંગીલા જેવી ફિલ્મોના અભિનેતા નીરજ વોરાનું નિધન, લાંબા સમયથી માંદા હતાં

નવી દિલ્હી: અભિનેતા અને ફિલ્મમેકર નીરજ વોરાનું આજે સવારે નિધન થઈ ગયું. નીરજ લાંબા સમયથી બીમાર હતાં. ગત વર્ષ ઓક્ટોબરમાં તેમને હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમને દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરાવાયા હતાં. ત્યાં તેઓ કોમામાં જતા રહ્યાં હતાં અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ નીરજનું આજે સવારે 4 વાગ્યે મુંબઈ સ્થિત ક્રિટી કેયર હોસ્પિટલમાં નિધન થયું. તેમના નશ્વર દેહને પહેલા ફિરોઝ નડિયાદવાલાના ઘર બરકત વિલા ખાતે લઈ જવાશે. ત્યારબાદ આજે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરેશ રાવલે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી અને નિધન બદલ શોક પણ વ્યક્ત કર્યો. 

અત્રે જણાવવાનું કે એમ્સથી તેમને તેમના મિત્ર ફિરોઝ નડિયાદવાલાના ઘરે શિફ્ટ કરી દેવામાં આવ્યાં હતાં. કહેવાયું હતું કે ફિરોઝ નડિયાદવાલા તેમની તમામ જવાબદારીઓ ઉઠાવી રહ્યાં હતાં. ફિરોઝે પોતાના જૂહુ સ્થિત ઘર બરકત વિલાના એક રૂમને આઈસીયુમાં ફેરવી નાખ્યો હતો. માર્ચ 2017થી જ 24 કલાક એક નર્સ, વોર્ડ બોય, અને કૂક નીરજ સાથે રહેતા હતાં. આ ઉપરાંત ફિઝિયોથેરાપી, ન્યૂરો સર્જન, એક્યુપંક્ચર થેરેપિસ્ટ અને જનરલ ફિઝિશિયન દર અઠવાડિયે વિઝિટ પર આવતા હતાં. 

— ANI (@ANI) December 14, 2017

વાત જાણે એમ છે કે નીરજના પરિવારમાં તેમના સિવાય કોઈ નથી. નીરજના પત્નીનું પહેલેથી જ અવસાન થઈ ગયું છે. તેમને કોઈ સંતાન નથી. તેમના પરિવારમાં એકમાત્ર માતા હતાં. 2014માં તેમનું પણ મૃત્યું થઈ ગયું. અહેવાલો મુજબ તેઓ જે રૂમમાં રહેતા હતાં તેને તેમની પ્રખ્યાત ફિલ્મો રંગીલા, વિરાસત,. હેરાફેરી, ગોલમાલ, દોડ, ખેલાડી 420ના પોસ્ટરોથી સજાવવામાં આવ્યો હતો. રૂમમાં એક ટીવી પણ હતું જેમાં તેમની ફેવરિટ ફિલ્મોને દેખાડવામાં આવતી હતી. જેથી કરીને તેઓ જલદીથી કોમામાંથી બહાર આવી શકે. પરંતુ તે શક્ય બન્યુ નહીં. 

નીરજને જ્યારે ઓક્ટોબરમાં બ્રેન સ્ટ્રોક આવ્યો તો તેઓ તેમની ફિલ્મ હેરાફેરી 3 પર કામ કરી રહ્યાં હતાં. આ ફિલ્મને ફિરોઝ જ પ્રોડ્યુસ કરવાના હતાં. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ફાઈનલ થઈ ગઈ હતી. ડિસેમ્બર 2016થી તેનું શુટિંગ પણ શરૂ થવાનું હતું. ફિરોઝ છેલ્લા 18 વર્ષથી નીરજને ઓળખતા હતાં. એકલા રહેવું તેમને ગમતું નહતું. એટલે સુધી કે તેઓ ભોજન ઉપરાંત ફિલ્મો પણ ગ્રુપમાં જોવાનું પસંદ કરતા હતાં. તેમને મિત્રોનો સાથ ખુબ ગમતો હતો. અત્રે જણાવવાનું કે નીરજના પિતા જાણીતા શહેનાઈવાદક હતાં. તેમનું 2005માં નિધન  થયું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આમિર ખાન અને  પરેશ રાવલ નીરજના સારા મિત્રોમાં સામેલ હતાં.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news