બીમારીએ લીધો લગાનના 'વૈદ્ય'નો જીવ, વલ્લભ વ્યાસની દુનિયામાંથી વિદાય

અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનું રવિવારે જયપુરમાં નિધન થઈ ગયું.

Updated By: Jan 8, 2018, 05:15 PM IST
બીમારીએ લીધો લગાનના 'વૈદ્ય'નો જીવ, વલ્લભ વ્યાસની દુનિયામાંથી વિદાય
ફાઈલ તસવીર

નવી દિલ્હી: અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનું રવિવારે જયપુરમાં નિધન થઈ ગયું. શ્રીવલ્લભ વ્યાસે બોલિવૂડની સાથે સાથે રિજિયોનલ ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. આ ઉપરાંત થિયેટરમાં પણ સક્રિય હતાં. તેમણે વર્ષ 2008માં પોતાની ખરાબ તબિયતના પગલે ફિલ્મોમાંથી બ્રેક  લીધો હતો. તેમને એક સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારબાદ પેરેલાઈઝ્ડ થઈ ગયા હતાં. બીમાર થયા બાદ તેમનો પરિવાર જયપુર શિફ્ટ થઈ ગયો હતો. અહીં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર માટે આમિર ખાન, અક્ષયકુમાર અને ઈરફાન ખાન જેવા કલાકારોએ મદદ પણ કરી હતી. 

તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પૂર્વ વિદ્યાર્થી હતાં. તેમની કેટલીક ફિલ્મો જેમ કે સરફરોશ, અભય, આન: મેન એટ વર્ક, નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફોર્ગોટન મે અને સંકટ સિટી છે. તેઓ થિયેટરમાં પણ કામ કરતા હતાં તથા થિયેટર આર્ટિસ્ટ તરીકે તેમનું બેસ્ટ પરફોર્મન્સ 1995માં આવેલું નાટક 'વિરાસત' હતું. તેમના યાદગાર કિરદારોમાં લગાનમાં તેમણે ભજવેલુ ઈશ્વરનું પાત્ર અને કેતન મેહતાની  ફિલ્મ 'સરદાર'ના મહોમ્મદ અલી ઝિણાનું હતું. 

એક્ટર દયાશંકર પાંડેએ તેમના નિધનની જાણકારી ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપતા કહ્યું કે વ્યાસ ખુબ સારા અભિનેતા હતાં અને અમે તેમને યાદ રાખીશું. તેમનું નિધન રવિવારે સવારે 9.30 વાગ્યે થયું હતું. તેમને અંતિમ વિદાય રવિવારે સાંજે અપાઈ. વ્યાસને પત્ની અને બે પુત્રીઓ છે. તેમની પત્નીએ વ્યાસની દેખભાળ માટે ખુબ સ્ટ્રગલ કરી. દયા શંકર પાંડેએ વધુમાં કહ્યું કે તેઓ એક ભણેલા ગણેલા અને ખુબ સારા અભિનેતા હતાં પરંતુ અનેકવાર તેમને કામના રૂપિયા મળ્યાં નથી. પરંતુ તેમનું કામ હંમેશા બિરદાવવામાં આવ્યું. તેઓ ગાતા પણ હતાં. તેમણે લખવાનું પણ શરૂ કર્યુ હતું પરંતુ તેમનું જીવન ખુબ મુશ્કેલ રહ્યું.