)
Brad Pitt Wears Gujarat's Tangaliya Shirt : દિગ્ગજ હોલીવુડ અભનેતા બ્રેડ પિટની ફિલ્મ F1 27 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મના એક દ્રશ્યમાં બ્રેટ પિટ ભારતીય ફેશન બ્રાન્ડ ‘11.11/eleven eleven’ નો કોટન શર્ટ પહેરેલો જોવા મળી રહ્યા છે. આ શર્ટમાં પરંપરાગત ટાંગલિયા વણાટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેતા બ્રેડ પિટ માટે આ શર્ટની પસંદગી જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઇનર જુનિયન ડે દ્વારા કરવામાં આવી હતી. આ ટાંગલિયા વણાટનું શું છે ગુજરાત કનેક્શન તમે પણ જાણો.
ડિઝાઇનર મિયા મોરિકાવા અને હિમાંશુ શાનિ દ્વારા ‘11.11/eleven eleven’ ફેશન બ્રાન્ડ સ્થાપિત કરવામાં આવી છે, આ બ્રાન્ડ તેના ઓર્ગેનિક અભિગમ માટે જાણીતી છે. તે સ્વદેશી કપાસનો ઉપયોગ કરી પર્યાવરણને અનુકૂળ વસ્ત્રનું નિર્માણ કરે છે. ફિલ્મમાં જોવા મળેલો શર્ટ હાથથી કાંતેલા, વણાયેલા કપાસમાંથી બનાવવામાં આવ્યો છે, જેમાં ટાંગલિયા વણાટ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 100 ટકા ફ્રુક્ટોઝનો ઉપયોગ કરી, આથો લાવી આ શર્ટને કુદરતી ગળીથી રંગવામાં આવ્યો છે. આઠ કારીગરો દ્વારા 9.20 કલાકની મહેનત બાદ આ શર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
ટાંગલિયાનો ગુજરાત ઈતિહાસ
ટાંગલિયા વણાટ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની વિશિષ્ટ હસ્તકલા છે, તે મણકા જેવી પેટર્નને કારણે અન્ય હસ્તકલાઓથી અલગ પડે છે. આ વણાટકામની વિશેષતા એવી છે કે ડિઝાઇન કાપડની બંને બાજુ એકસમાન જોવા મળે છે, કારણ કે તેને રંગીન દોરાઓને વાર્પ યાર્ન પર વાળીને તૈયાર કરવામાં આવે છે.
ટાંગલિયા કળા માટે લવજીભાઈ પરમારને મળ્યો હતો પદ્મશ્રી
હોલીવૂડમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ F1 માં મુખ્ય હિરો બ્રાડ પિટના એક લુક આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ લુકમાં બ્રાડ પિટે પહેરેલો શર્ટ સુરેન્દ્રનગર જિલ્લાની 700 વર્ષ જુની ટાંગલીયાકળામાંથી બનાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને ટાંગલીયા કળાને જીવંત રાખનાર લવજીભાઇ પરમારને તાજેતરમાં જ સરકાર દ્વારા ટાંગલિયા કળા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ત્યારે આ અંગે લવજીભાઇ પરમારે જણાવ્યું હતું કે જે શર્ટ હીરોએ પહેર્યો છે તેમાં ખાસ ઇન્ડીગો પેટર્નનો શર્ટ છે તે સામાન્ય કરતા થોડો અલગ બને છે અને તેને તૈયાર કરવામાં અંદાજે ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગે છે અને ખુબ ઝીણવટભર્યું કામ હોય છે. આ શર્ટની અંદાજિત કિંમત રૂપિયા 25 હજારથી વધુ થાય છે. લુપ્ત થવા જઇ રહેલી ટાંગલિયા કળા હોલીવૂડ સુધી પહોંચતા જિલ્લામાં ટાંગલિયા કળાના કારીગરોમા પણ ઉત્સાહ જોવા મળે છે અને આગામી સમયમાં આ ટાંગલિયા કળાને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળશે તેવી આશા છે.