બોસ આઈપીટીવી જેવા ગેરકાયદેસર આઈપીનેટવર્ક માત્ર ટીવી શો અને ફિલ્મોની ચોરી કરે છે એટલું જ નહીં પરંતુ આતંકવાદને પણ પ્રોત્સાહન આપે છે. આ વિગતો જાણીને તમે દંગ રહી જશો.

ઈન્ટરનેટના યુગમાં પાઈરેટેડ કન્ટેન્ટ આજકાલ તો ખુબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. પાયરેટેડ કન્ટેન્ટ જોવું એ ગેરકાયદેસર તો છે જ પરંતુ સાથે સાથે આતંકવાદને પણ પ્રોત્સાહન આપી શકે છે. જો તમને લાગતું હોય કે આ રીતે ગેરકાયદેસર રીતે તમને સરળતાથી આવું કન્ટેન્ટ મળી જાય છે તો તેને જોતા પહેલા હવે હજારવાર વિચારજો. આ રીતે સરળતાથી મળી જતા કન્ટેન્ટ પાછળ એક ગંભીર જોખમ પણ છૂપાયેલું હોઈ શકે છે. પાયરેસી જે સંગઠિત અપરાધ અને એટલે સુધી કે આતંકવાદને પણ પ્રોત્સાહન આપે છે.
સૂત્રો મુજબ તેનાથી આતંકવાદી સમૂહોને ચલાવવા માટે આવક મળી રહી છે, તેઓ પરોક્ષ રીતે આતંકવાદી ગતિવિધિઓમાં મદદ કરી રહ્યા છે. દર્શકોએ પાયરેટેડ સામગ્રી જોવી જોઈએ નહીં.
ગેરકાયદેસર ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન (આઈપીટીવી) સેવાઓના શંકાસ્પદ નેટવર્ક પર નજર રાખતા તપાસકર્તાઓએ સમયાંતરે આ માટે ચેતવણીઓ જાહેર કરેલી છે. અધિકારીઓનું કહેવું છે કે આ પ્લેટફોર્મની મેમ્બરશીપ લઈને દર્શકો પરોક્ષ રીતે આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે અને આથી દર્શકોએ પાયરેટેડ સામગ્રીનો ઉપયોગ કરતા પહેલા પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.
સૂત્રોના જણાવ્યાં મુજબ તપાસ અને કાનૂની કાર્યવાહીથી પર્દાફાશ થયેલા આ ખતરનાક નેટવર્કના કેન્દ્રાં બોસ આઈપીટીવી છે. જે દુનિયાના સૌથી મોટા ગેરકાયદેસર આઈપીટીવી નેટવર્કમાંથી એક છે. સૂત્રોએ જણાવ્યું કે બોસ આઈપીટીવી સ્ટાર, ઝી, સોની, કલર્સ અને સન ટીવી જેવા પ્રીમિયમ ભારતીય ચેનલોને હાઈજેક કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તે નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ વીડિયો, એચબીઓ, અને એનબીસી જેવા વૈશ્વિક દિગ્ગજોની સાથે સાથે આઈએલપી અને ફીફા વર્લ્ડ કપ જેવા બ્લોકબસ્ટર ખેલ આયોજનોને પણ સ્ટ્રીમ કરે છે.
અધિકૃત તપાસથી જાણવા મળે છે કે આ ગેરકાયદેસર સામ્રાજ્યથી થતો નફો ફક્ત વિદેશી ખાતાઓમાં જાય છે એટલું જ નહીં પરંતુ ડ્રગ્સની તસ્કરી અને આતંકવાદ જેવા સંગઠિત અપરાધોમાં પણ ઉપયોગમાં લેવાતું હોઈ શકે છે. આ સાથ જ આવી પ્રવૃત્તિઓ ગ્રાહકોને ડેટાચોરી અને કૌભાંડોનો ભોગ બનાવી શકે છે. આ પાયરસી રેકેટ કથિત રીતે અનેક મહાદ્વીપો સુધી ફેલાઈ ચૂક્યું છે. જેનાથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ભારતના લાખો દર્શકો પ્રભાવિત થઈ રહ્યા છે.
મનોરંજન ઉદ્યોગને ભારે નુકસાન
આવા પાયરેટેડ કન્ટેન્ટથી મનોરંજન ઉદ્યોગને પણ ભારે નુકસાન થાય છે. સૂત્રોના જણાવ્યાં મુજબ યપ્પટીવી જેવા લાઈસન્સવાળા પ્લેટફોર્મને એકલાને જ વાર્ષિક 20 કરોડથી 30 કરોડ ડોલર જેટલું નુકસાન થવાનો અંદાજ છે. જો કે તેના કારણે રાજસ્વનું નુકસાન ઘણુ વધુ હોઈ શકે છે. આવા પાયરેટેડ સેવાઓના માધ્યમથી ચોરી થયેલા ક્રેડિટ કાર્ડની વિગતો સહિત મહત્વપૂર્ણ વ્યક્તિગત ડેટાનો કથિત રીતે ડાર્ક વેબ પર વેપલો થાય છે. જેનાથી સાઈબર ગુનાઓ, કર ચોરી, તથા માદક પદાર્થોની તસ્કરી તથા એટલે સુધી કે આતંકવાદને પણ ફંડિંગ કરવામાં મદદ મળતી હોય છે.
આ વર્ષની શરૂઆતમાં અધિકારીઓએ બોસ આઈપીટીવી અને ગુરુ આઈપીટીવી, બ્રેમ્પટન આઈપીટીવી, ટશન આઈપીટીવી અને પંજાબી આઈપીટીવી સહિત અનેક પાયરેટેડ નેટવર્ક્સ પર કાર્યવાહી કરી હતી. યપ્પટીવી તરફથી ગોલ્ડસ્ટીન લો ગ્રુપ દ્વારા કરાયેલી કાનૂની કાર્યવાહીના કારણે આ ગેરકાયદેસર ઓપરેટરો વિરુદ્ધ ધરપકડો અને કેસ થયા છે. ગોલ્ડસ્ટીન લો ગ્રુપે ભારપૂર્વક કહ્યું છે કે આ પાયરેટેડ આઈપીટીવી સેવાઓનો ઉપયોગ કરનારા કોઈ પણ વ્યક્તિ પર અમેરિકામાં કાનૂની રીતે અપરાધિક આરોપ લાગી શકે છે.
અત્રે જણાવવાનું કે બોસ આઈપીટીવીનું સંચાલન કેનેડિયન નાગરિક હરપ્રીત સિંહ રંધાવા દ્વારા થાય છે. આ નેટવર્કમાં કોર્પોરેટ શૈલીના ક્રિમિનલ એન્ટરપ્રાઈઝીઝ સામેલ છે જે અનેક દેશોમાં કર ચોરી અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખે છે. હવે તમે જો પાયરેટેડ સામગ્રી સ્ટ્રીમ કરવા વિશે વિચારો તો યાદ રાખજો કે આ કોઈ નુકસાન વગરનું મનોરંજન નથી પરંતુ અનેકગણું ગંભીર અને ચિંતાજનક છે.
આથી ગેરકાયદેસર સેવાઓનું સબસ્ક્રિપ્શન લઈને યૂઝર્સ પરોક્ષ રીતે આતંકી ગતિવિધિઓને ફંડિંગ કરે એવું બની શકે. આ લો ગ્રુપે દર્શકોને ગેરકાયદેસર આઈપીટીવી સેવાઓને વાપરવાનું તાકીદે બંધ કરવાનો આગ્રહ પણ કર્યો છે.