)
Food Poisoning on Ranveer Singh Dhurandhar Film Set: બોલિવૂડ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેમાં એક એવી દુર્ઘટના થઈ છે કે જેણે બધાને ચોંકાવી દીધા છે. શૂટિંગ દરમિયાન મોડી રાત્રે ફિલ્મ યુનિટના 100થી વધુ સભ્યો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તેનું નામ 'ધુરંધર' છે. તેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ શૂટિંગ લદ્દાખના પત્થર સાહિબમાં ચાલી રહ્યું હતું.
જમ્યા બાદ 600 લોકોમાંથી 100 બીમાર
અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, 'ફિલ્મ યુનિટ એક અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતું. જ્યારે અચાનક ઘણા લોકોએ પેટમાં દુખાવો, ઉલટી અને માથાનો દુખાવો થવાની ફરિયાદ કરી. બધાને તાત્કાલિક લેહની સજલ નરબુ મેમોરિયલ (SNM) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ તેને સામૂહિક ફૂડ પોઈઝનિંગનો કેસ ગણાવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઘટના પહેલા શૂટિંગ સ્થળે લગભગ 600 લોકોએ જમ્યા હતા.
ડોક્ટરે શું કહ્યું?
હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક તમામ વિભાગોના સ્ટાફને બોલાવ્યા અને પરિસ્થિતિને કાબુમાં લીધી. એક વરિષ્ઠ ડોક્ટરે કહ્યું કે, 'અમે દર્દીઓની ભીડને અસરકારક રીતે સંભાળી. પોલીસે ઇમરજન્સી વોર્ડમાં ભીડને કાબુમાં લેવામાં અને અરાજકતા અટકાવવામાં પણ મદદ કરી.'
કેવી છે હાલ સ્થિતિ?
ડોક્ટરોએ જણાવ્યું કે, બધા દર્દીઓની હાલાત સ્થિર છે અને મોટાભાગનાને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે અધિકારીઓએ ખોરાકના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા છે. આ ઘટનાએ મોટા શૂટિંગ સ્થળોએ, ખાસ કરીને લેહ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સલામતીના ધોરણો પર પ્રશ્નો ઉભા કર્યા છે. હજુ સ્પષ્ટ નથી કે યુનિટે કયો ખોરાક કે પાણી પીધું હતું. આ ઉપરાંત ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક કે કોઈ મોટા બોલિવૂડ સ્ટાર બીમાર પડ્યા હોવાની કોઈ માહિતી નથી.
ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનું થઈ ચૂક્યું છે શૂટિંગ
લદ્દાખ, જેને તેની ઉજ્જડ અને પ્રહાડોના કારણે 'મૂનલેન્ડ' કહેવામાં આવે છે, તે ઘણી સુપરહિટ બોલિવૂડ ફિલ્મો માટે એક પ્રિય શૂટિંગ સ્થળ રહ્યું છે. '3 ઇડિયટ્સ', 'હકીકત', 'જબ તક હૈ જાન', 'દિલ સે', 'ભાગ મિલ્ખા ભાગ' અને 'લક્ષ્ય' જેવી ફિલ્મો અહીંની સુંદર ખીણોમાં શૂટ કરવામાં આવી છે. 'હકીકત'માં 1962ના ભારત-ચીન યુદ્ધને દર્શાવવામાં આવ્યું હતું અને તે ખૂબ જ સફળ સાબિત થયું હતું. આ પ્રદેશમાં નુબ્રા, ચાંથાંગ અને બટાલિક જેવા સ્થળો છે, જે પહેલા પ્રવાસીઓ માટે ખુલ્લા નહોતા, પરંતુ હવે પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.