)
Entertainment News: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ લાંબા સમયથી દયાબેનની વાપસીની આતૂરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં છે. આ રોલને પહેલા દિશા વાકાણી ભજવતા હતા. પરંતુ છેલ્લા સાત વર્ષથી તે શોમાંથી ગાયબ છે. તાજેતરમાં દિશાના ઓન-સ્ક્રીન અને રિયલ લાઇફ ભાઈ મયુર વાકાણીએ અસિત મોદીના શોમાં અભિનેત્રીની ગેરહાજરી વિશે વાત કરી અને સ્પષ્ટ કર્યું કે તે પોતાના બાળકોની સાથે વ્યસ્ત હોવાને કારણે શોમાં પરત આવશે નહીં.
કેમ તારક મેહતામાં પરત નથી આવી રહ્યાં દિશા વાકાણી?
મયુર વાકાણી ઉર્ફ સુંદરે ઈટાઇમ્સ સાથે વાતચીતમાં કહ્યુ, 'મેં તેની સફરને નજીકથી જોઈ છે કારણ કે હું તેનાથી બે વર્ષ મોટો છું. એક વાત જેનો મેં અનુભવ કર્યો કે જ્યારે તમે ઈમાનદારી અને વિશ્વાસની સાથે કામ કરો છો તો ઈશ્વરના આશીર્વાદ મળે છે. તે ખરેખર ભાગ્યશાળી છે, પરંતુ આ સાથે તેણે ખુબ મહેનત કરી છે. આ કારણ છે કે લોકોએ દયાના પાત્રને ખુબ પ્રેમ કર્યો છે.'
તેમણે આગળ કહ્યુ, 'મારા પિતાએ મને હંમેશા સાચો માર્ગ દેખાડ્યો છે કે જીવનમાં પણ અમે કલાકાર છીએ. અમને જે પણ ભૂમિકા મળે, તેને ઈમાનદારીથી નિભાવવી જોઈએ. અમે આજે પણ તેમની શીખનું પાલન કરીએ છીએ. હાલ તે અસલ જીવનમાં એક માતાની ભૂમિકા ભજવી રહી છે અને નિષ્ઠાથી તે ભૂમિકા ભજવી રહી છે. મને વિશ્વાસ છે કે મારી બહેનના મનમાં પણ આ વાત હતી.'
તારક મેહતામાં દયાના પાત્રથી મળી ઓળખ
દિશા વાકાણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનનું પાત્ર ભજવતા હતા. તેઓ 2018મા મેટરનિટી લીવ પર ગયા હતા અને ત્યારબાદ શોમાં પરત ફર્યા નથી. થોડા સમય પહેલા અસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે દિશા આ પોપુલર સિટકોમમાં વાપસી કરશે નહીં.
"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના નિર્માતાએ કહ્યું હતું કે, "તેના માટે હવે (શોમાં પાછા ફરવું) મુશ્કેલ છે. લગ્ન પછી સ્ત્રીઓનું જીવન બદલાઈ જાય છે. નાના બાળકો સાથે કામ કરવું અને ઘર સંભાળવું તેમના માટે ખરેખર મુશ્કેલ છે. પરંતુ હું હજુ પણ સકારાત્મક છું. મને લાગે છે કે ભગવાન કોઈ ચમત્કાર કરશે અને તે પાછી આવશે. જો તે આવશે, તો તે શો માટે સારી વાત હશે."
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના 4500 એપિસોડ પૂરા
તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોના દિલો પર રાજ કરી રહ્યો છે. આ શોના તાજેતરમાં 4500 એપિસોડ પૂરા થયા હતા. શો સતત ટીઆરપી મેળવવામાં પણ સફળ રહ્યો છે. ભલે શોમાંથી દયાબેન ગાયબ છે, પરંતુ અસિત મોદી બદલાતા સમયની સાથે શોને ઢાળવામાં સફળ રહ્યાં છે.