)
Gujarat Weather 2025: ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રે મેઘરાજા તૂટી પડતાં તળાવો, નદી-નાળા છલકાઈ ઉઠ્યાં હતા. જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે 12 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ખેતરો નદીમાં ફેરવાઈ ગયા હતા અને કિલોમીટર સુધી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. આ અતિ વરસાદથી પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં સીઝનમાં પ્રથમ વખત ઘોડાપૂર આવ્યું હતું. ઘોડાપૂર આવતા મધવરાયજી મંદિર પાણીમાં જળમગ્ન થઈ ગયું છે. જે આગામી એકાદ દોઢ મહિના સુધી પાણીમાં જળમગ્ન રહેવાની શક્યતા છે.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો..
ગીર ગઢડા : 5 ઇંચ, વેરાવળ : 6 ઇંચ, કોડીનાર : 5.25 ઇંચ, ઊના : 2.75 ઇંચ, તાલાલા : 2.7 ઇંચ
વરસાદ પછી વહેલી સવારથી વિરામ મળતાં પાણી ઓસરવાનું શરૂ થયું, છતાં સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં હાલાકી સર્જાઈ હતી. નોંધનીય છે કે અત્યાર સુધી જિલ્લામાં વરસાદ ન પડતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવાની ભીતિ હતી. પરંતુ ગત રાત્રે પડેલા વરસાદને ખેડૂતો અમૃત સમાન માની રહ્યા છે. પાકને નવી જાન મળતા અન્નદાતાઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. વરસાદથી જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન દેવભૂમી દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૧૦.૭૫ ઇંચ તથા દ્વારકા તાલુકામાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે પોરબંદર તાલુકામાં ૪ ઈંચ જેટલો, માંગરોળ તાલુકામાં ૩.૭૪ ઈંચ, સુત્રાપાડા તાલુકામાં ૩.૩૫ ઈંચ, જાફરાબાદ તાલુકામાં ૩૦૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૪ કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢના વંથલીમાં ૫ ઈંચથી વધુ તથા કેશોદમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં ૪.૭૬ ઈંચ તથા ગીર સોમનાથના તલાલા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ ૨૬,૦૧૭૪ એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૧૫,૫૩૭ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૪.૪૮ ટકા છે. રાજ્યમાં હાલ ૬૪ ડેમને હાઈ એલર્ટ, ૨૯ ડેમને એલર્ટ તથા ૨૧ ડેમને વોર્નીગ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૩ ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં ૭૨ ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં ૬૯.૯૨ ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો ૬૯.૦૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.