બનાસકાંઠામાં 17 કરોડની જમીન ભૂમાફિયાઓના સકંજામાંથી મુક્ત કરાઈ

બનાસકાંઠામાં 17 કરોડની જમીન ભૂમાફિયાઓના સકંજામાંથી મુક્ત કરાઈ
  • લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ
  • જમીન પચાવી પાડનારા 80 આરોપીઓ વિરૂધ્ધ 20 પોલીસ ફરિયાદો નોંધાઈ
  • અત્યાર સુધી 52 આરોપીઓની ધરપકડ, અને 28 ને પકડવાના ચક્રો ગતિમાન કરાયા  

અલ્કેશ રાવ/બનાસકાંઠા :લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલની કાર્યવાહીથી ભૂમાફીયા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત સરકારના લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ બનાસકાંઠાનું તંત્ર એક્ટિવ બન્યું છે. 

માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર રીતે કબજો ન જમાવે તથા જેમણે ગેરકાયદેસર રીતે સરકારી અથવા તો ખાનગી માલિકીની જમીન પર કબજો કર્યો છે તેવા વ્યક્તિઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા 80 આરોપીઓ વિરૂધ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 20 જેટલી ફરીયાદો નોંધાઇ છે. 

આ પણ વાંચો : હવે દર્દીઓને આસાનીથી મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન, સરકારે લીધું મોટું પગલું 

17 કરોડની જમીન ભૂમાફિયાઓના સકંજામાઁથી મુક્ત કરાઈ 
આ ફરિયાદમાંથી 52 આરોપીઓને ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે. જ્યારે 28 જેટલાં ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી માલિકીની કુલ રૂ.17 કરોડની જમીનો ભૂમાફીયાઓના સંકજામાંથી મુક્ત કરવામાં આવી છે. 

બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્વો વિરુદ્ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news